<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

સામા કાંઠે આંબાવાડીમાં બળદેવ મેવાડા પર મોબાઇલ ફોનની ચોરીનું આળ મુકી મારકુટ

તું પાનની દુકાનેથી ફોન લઇ ગયો છો, કેમેરામાં આવી ગયો છો કહી અજાણ્‍યા શખ્‍સોએ ઘુસ્‍તાવી માથામાં બાઇકની ચાવી ઝીંકી

રાજકોટ તા. ૧૩: સંત કબીર રોડ પર  ગોકુલનગર-૧માં રહેતાં બળદેવ ભરતભાઇ મેવાડા (ઉ.વ.૨૮) નામના યુવાનને સાંજે સામા કાંઠે આંબાવાડી પાસે હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી માથામાં બાઇકની ચાવીથી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે થોરાળા પોલીસને કરી હતી. હોસ્‍પિટલના બીછાનેથી બળદેવ મેવાડાએ કહ્યું હતું કે હું માતાજીના માંડવા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ડાકલા વગાડવાનું કામ કરી મારુ ગુજરાન ચલાવું છું. સાંજે હું આંબાવાડી વિસ્‍તારમાં પાનની દૂકાને ગયો હતો અને ફાકી લઇને નીકળ્‍યો હતો. આ વખતે પાછળ ત્રણેક શખ્‍સો આવ્‍યા હતાં અને મને ઉભો રાખી ‘પાનની દૂકાનેથી અમારો માબોઇલ ફોન ગૂમ થયો છે, તું લઇ ગયો છો અને કેમેરામાં આવી ગયો છો' તેમ કહી મને ગાળો દઇ મારા ખિસ્‍સા ચેક કર્યા હતાં. મેં તેને હું કોઇ મોબાઇલ ફોન લઇ ગયો નથી, તમને ખોટુ લાગતું હોય તો પોલીસ સ્‍ટેશને મને લઇ જાવ. તેમ કહેતાં આ શખ્‍સો ઉશ્‍કેરાઇ ગયા હતાં અને વધુ ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ એક શખ્‍સે માથામાં બાઇકની ચાવીના ઘા માર્યા હતાં. થોરાળા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(2:09 PM IST)