News of Monday, 13th October 2025
શિયાળામાં શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના કેસે દેખા દીધીઃ ૧૭૪૨ દર્દી નોંધાયા
મનપા દ્વારા ૩૭૩૫૧ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૪૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ર દર્દી, મચ્છર ઉત્પતિ સબબ ૪૩૪ને નોટીસ

રાજકોટ તા. ૧૩: શહેરમાં શિયાળાનો પગરવ શરૂ થયો છે. આ ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યો છે.
આ સપ્તાહે ૧૭૪૨થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છજન્ય રોગના ૩ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૬ થી ૧૨ ઓકટો. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૩ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ર તથા ચિકનગુનિયાનો ૧ કેસ નોંધાયા છે.
શરદી-ભાવના ૧૭૪૨ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૯૧ તેમજ સામાન્ય તાવના ૮૨૭ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૧૮, ટાઇફોઇડના ૨ તથા કમળાના ૪ સહિત કુલ ૧૭૪૨ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૯૪૫૨ તેમજ સામાન્ય તાવના ૩૦૪૨૨ અને ઝાડા ઉલ્ટીના કેસ ૭૪૪૫ તથા ટાઇફોઇડના ૮૮ તેમજ કમળાના ૧૨૩ કેસ નોંધાયા છે.
મચછર ઉત્પતિ સબબ ૪૩૪ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૭૩૫૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૪૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૬૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૩૪ લોકોને નોટીસ પાઠવી હતી. (૬.૧૫)
(2:42 PM IST)










