News of Tuesday, 14th October 2025
રાજકોટના દિવાનપરામાં પાંચમા માળે આગ : કારીગરનું મોત:જુઓ વિડીયો
શ્રી હરિ કોમ્પલેક્ષમાં અગાસીના ડોમમાં બંગાળી કારીગરો રાતપાળીમાં હતાં ત્યારે ડ્રમ પોલીશ મશીનમાં ઓવર હીટીંગને કારણે આગ ભભૂકી :આજે દિવાળીની સફાસફાઇ કરવાની હોઇ રાતપાળીમાં કામ પુરૂ કરવા કારીગરો બેઠા હતાં: ત્રણ ફાયર સ્ટેશનોની ટીમો દોડી ગઇ હતીઃ ટેરેસ ઉપર પતરાનો ડોમ હતો તેમાં આગ ભભૂકી હતીઃ એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ બી. વી. બોરીસાગર દોડી ગયાઃ ફાયર બ્રિગેડના અધિકારીઓ-ટીમોએ ભારે જહેમતથી આગ બુઝાવી : ભાજપ-કોંગ્રેસના આગેવાનો પણ દોડી ગયાઃ મોડી રાતે ધડાકા સાંભળી આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો : મૃત્યુ પામનાર ૪૮ વર્ષિય કારીગર પલાશ નિયોગી ત્રણ દિવસ પહેલા જ કામે આવ્યા હતાં: રૂમ મળ્યો ન હોઇ કામના સ્થળે જ રોકાયા હતાં : ચાર એલપીજી ગેસના બાટલા હતાં, તેમાંથી એક ફાટયોઃ એ.સી. કમ્પ્રેશર પણ ફાટતાં ધડાકા થયાઃ ચાર કારીગરોનો બચાવ, એક કારીગર હાથમાં દાઝ્યો

તસ્વીરમાં જ્યાં આગની ઘટના બની હતી તે બિલ્ડીંગ, છઠ્ઠા માળે અગાસી પર બનાવાયેલો પતરાનો ડોમ જે આગમાં સંપુર્ણ ખાક થઇ ગયો હતો તે તથા રાતે આગ લાગી ત્યારના દ્રશયો, ઘટના સ્થળે એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ બી. વી. બોરીસાગર, ફાયર બ્રિગેડની ટીમો તથા ઇન્સેટમાં મૃત્યુ પામનાર બંગાળી કારીગર પલાશભાઇ નિયોગીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૪: શહેરના દિવાનપરા શેરી નં. ૧૦માં આવેલા શ્રી હરિ કોમ્પલેક્ષના છઠ્ઠા માળે રાત્રીના સાડા બારેક વાગ્યે રાતે આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. આ આગમાં મુળ બંગાળના સોની કામના કારીગર પલાશભાઇ પ્રદ્યુતભાઇ નીયોગી (ઉ.વ.૪૮)નો દેહ ભડથું થઇ જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. જ્યારે અન્ય પાંચ કારીગરોનો બચાવ થયો હતો. જેમાં એક કારીગર મેશુદ આયનલ મીત (ઉ.વ.૨૯)ને હાથના ભાગે સ્હેજ દાઝી જતાં સારવાર અપાવાઇ હતી. એલપીજી ગેસના ચાર બાટલા ડોમમાં રાખેલા હોઇ તેમાંથી એક બાટલામાં બ્લાસ્ટ પણ થયો હતો. તેમજ એ.સી. કમ્પ્રેસર પણ ધડાકા સાથે ફાટી ગયું હતું. ધડાકા સાંભળી આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. દાગીના ડ્રમ પોલીશ માટેના મશીનમાં ઓવર હિટીંગ થતાં આગ લાગ્યાનું તારણ નીકળ્યું છે. આમ છતાં એફએસએલ અધિકારીઓને સાથે રાખી પોલીસ તપાસ કરશે.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ દિવાનપરા શેરી નં. ૧૦માં આવેલા શ્રી હરિ કોમ્પલેક્ષના પાંચમા માળની અગાસીએ બનાવાયેલા પતરાના ડોમમાં મોડી રાતે એકાએક આગ ભભૂકતાં અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતાં નાસભાગ મચી ગઇ હતી. આ સ્થળે રાતે છ બંગાળી કારીગરો દાગીનાનું કામ કરી રહ્યા હતાં. જેમાંથી પાંચ હેમખેમ બહાર આવી ગયા હતાં, જે પૈકી એક કારીગર મૈસુદ મીત હાથમાં સ્હજે દાઝી ગયો હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કમનસિબે એક કારીગર બહાર આવી ન શકતાં તે આગમાં ભડથું થઇ ગયો હતો.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ટીમો સાથે પહોંચી ગયા હતાં. મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ, બેડીપરા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ટીમો કામે લાગી હતી. સ્થળ પર હાજર માલિક ચંદ્રેશભાઇ મહેન્દ્રભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે ડ્રમ પોલીશના મશીનમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું તારણ છે. ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ પાંચ માળના શ્રી હરિ કોમ્પલેક્ષના પાંચમા માળની અગાસીએ માળે પતરાનો ડોમ બનાવાયો હોઇ તેમાં બંગાળી કારીગરો કામ કરી રહ્યા હતાં. અહિ દાગીનાને ડ્રમ પોલીશનું કામ થતું હતું. અહિ આજે મંગળવારે દિવાળીની સફાઇ કરવાની હોઇ જેથી થોડુ કામ બાકી હોઇ તે રાતપાળીમાં પુરૂ કરવા બંગાળી કારીગરો રોકાયા હતાં. આ વખતે ડ્રમ પોલીશ મશીનમાં હીટીંગને કારણે આગ ભભૂકી હોવાનું તારણ નીકળ્યું હતું.
આ સ્થળે એલપીજી ગેસના ચાર બાટલા પણ હતાં. જેમાંથી એક ગેસનો બાટલો ફાટયો હતો અને તેના કારણે ધડાકો થયો હતો અને આગ વધુ ફેલાઇ ગઇ હતી. આ ઉપરાંત એ.સી.ના કમ્પ્રેશરમાં પણ ધડાકો થયો હતો. બનાવની જાણ થતાં એસીપી બી. જે. ચોૈધરી, એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. લાભુભાઇ જતાપરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હોઇ પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. ફાયર બ્રિગેડના આસીફ મકરાણી, ચંદુભાઇ, મોહિતભાઇ, રાકેશભાઇ, અજયભાઇ, નવજીતસિંહ, મનોજભાઇ, આકાશભાઇ વ્યાસ, દેવરાજભાઇ, સંદિપભાઇ, વિજયભાઇ વડેખાણીયા, વિજયભાઇ સોલંકી, ભરતભાઇ, આસીફ મલેક, કિશનભાઇ સહિતની ટીમોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ બી. વી. બોરીસાગરે જણાવ્યું હતું કે આગમાં મૃત્યુ પામનાર બંગાળી કારીગરનું નામ પલાશભાઇ પ્રદ્યુતભાઇ નિયોગી (ઉ.વ.૪૮) છે. આ સિવાય એક કારીગર સ્હેજ દાઝી ગયા હતાં. બાકીનાનો બચાવ થયો હતો. આગ ખરેખર કઇ રીતે લાગી? તે જાણવા એફએસએલની મદદથી તપાસ કરાશે.
માલિકના કહેવા મુજબ મૃત્યુ પામનારા કારીગર પલાશભાઇ બંગાળી અગાઉ અમારે ત્યાં અઢી વર્ષ કામ કરી ગયા હતાં. બાદમાં વતન જતાં રહ્યા હતાં. ત્રણ દિવસ પહેલા જ તે પરત આવ્યા હતાં અને કામે જોડાયા હતાં. તેઓને રૂમ હજુ મળ્યો ન હોઇ ત્રણ દિવસથી કામના સ્થળે જ રહેતાં હતાં અને આગમાં તેઓ ભોગ બની ગયા હતાં. બનાવને પગલે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
આગની ઘટનાની જાણ થતાં ભાજપ કોંગ્રેસના આગેવાનો ભાજપના પૂર્વ કોર્પોરેટર અજયભાઈ પરમાર, ભાજપના યુવા મહામંત્રી સહદેવભાઈ ડોડીયા, કોંગ્રેસ આગેવાન રણજીત મુધવા સહિતના વિસ્તારના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને બચાવ કામગીરીમાં સામેલ થયા હતાં. (૧૪.૬)
(11:37 AM IST)










