<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

માંડા ડુંગર પાસે કારખાનાની સાઇટ પર ઉપાડ મામલે પ્‍લમ્‍બરે દિનેશભાઇના હાથ ભાંગી નાંખ્‍યા

નવા બની રહેલા કારખાનાની સાઇટ પર ગઇકાલે જ કામે આવેલા શખ્‍સે પાંચ હજાર ઉપાડ માંગતા ડખ્‍ખોઃ સિલ્‍વર નેસ્‍ટના કારખાનેદાર સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૪: સંત કબીર રોડના છેડે સિલ્‍વર નેસ્‍ટ સોસાયટીમાં રહેતાં કારખાનેદાર પ્રજાપતિ પ્રૌઢ આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે કુટુંબી ભાઇના નવા કારખાનાનું કામ ચાલુ હોઇ સાઇટ પર હતાં ત્‍યારે અહિ પ્‍લમ્‍બીંગ કામ કરવા આવેલા કારીગરે ઉપાડ મામલે ઝઘડો કરી ધોકાથી બેફામ માર મારતાં માથામાં ઇજા થતાં અને બંને હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ સિલ્‍વર નેસ્‍ટ સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ ગોરધનભાઇ પરમાર-ગુર્જર પ્રજાપતિ (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ સાંજે સાતેક વાગ્‍યે માંડા ડુંગર પાસે કારખાનાની સાઇટ પર હતાં ત્‍યારે પ્‍લમ્‍બીંગ કામ માટે આવેલા શખ્‍સે ઝઘડો કરી ધોકાથી બેફામ માર મારતાં માથા, બંને હાથમાં ઇજાઓ થઇ હતી. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં પ્‍લમ્‍બર ભાગી ગયો હતો. દિનેશભાઇને ગંભીર ઇજાઓ થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તબિબે એક્‍સ-રે કરાવતાં બંને હાથમાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. માથામાં પણ ફુટ થઇ હોઇ સારવાર અપાઇ હતી.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ સહિતે આજીડેમ પોલીસને કરતાં દિનેશભાઇની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. દિનેશભાઇએ જણાવ્‍યું હતું કે હું લોખંડના કબાટ બનાવવાનું કારખાનુ ચલાવુ છું.

 હાલમાં મારા કુટુંબી ભાઇનું નવુ કારખાનુ માંડા ડુંગર પાસે બની રહ્યું છે. ત્‍યાં અમે પ્‍લમ્‍બીંગ કામ માટે એક હાર્ડવેરના વેપારી મારફત નળ ફીટીંગ માટે ગઇકાલે જ કારીગરને બોલાવ્‍યો હતો. સાંજે હું કારખાનાની સાઇટ પર હતો ત્‍યારે કારીગરે ઉપાડ પેટે પાંચ હજાર રૂપિયા માંગ્‍યા હતાં. આથી મેં તેને હજુ કામ પુરુ થયું નથી એટલે આટલી રકમ ન હોય, બે હજાર જોઇએ તો આપુ તેમ કહેતાં પ્‍લમ્‍બર ઉશ્‍કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી ગાળાગાળી કરી ધોકાથી હુમલો કર્યો હતો.  પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:10 PM IST)