News of Tuesday, 14th October 2025
કાલે શહેરના ૮.૬૪ કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહુર્ત
મનપા દ્વારા ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫' કાર્યક્રમમાં ‘પી.એમ. સ્વનિધિ' યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ તથા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કામનો થશે પ્રારંભ

રાજકોટ તા.૧૪: ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા ‘‘વિકાસ સપ્તાહ-૨૦૨૫''ની ઉજવણીના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય કક્ષાનો લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. ઉક્ત કાર્યક્રમને સમાંતર મહાનગરપાલિકા દ્વારા ‘‘વિકાસ સપ્તાહ-૨૦૨૫'' કાર્યક્રમમાં ‘‘પી.એમ. સ્વનિધિ'' યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, મહાનગરપાલિકાના રૂ.૮.૬૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા રાજ્ય કક્ષાના લોકાર્પણ/ખાતમુહૂર્તનું જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન આવતીકાલ તા.૧૫ બુધવારના સવારે ૧૦:૩૦ કલાકે, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. તેમ નરેન્દ્રસિંહ જાડેજા, જયમીનભાઈ ઠાકર, તુષાર સુમેરા, લીલુબેન જાદવ, મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, દિલીપભાઈ લુણાગરિયા, ભાવેશભાઈ દેથરીયા, સુરેશભાઈ વસોયા જણાવે છે.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
(3:34 PM IST)










