<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

શેરબજારના નામે ૧૬.૬૭ લાખની ઠગાઇમાં પુણેનો ગોૈરવ ઝડપાયો

પોતાના બેંક એકાઉન્‍ટનો અલગ અલગ ૯ રાજ્‍યોના સાયબર ફ્રોડમાં કર્યો છે ઉપયોગઃ રાજકોટ સાયબર ક્રાઇમ પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ એમ. એ. ઝણકાતની ટીમે પકડયો

રાજકોટ તા. ૧૪: શહેરના યુવાનને શેર બજારમાં નાણા રોકવાથી નફો થશે તેવી લાલચ આપી શરૂઆતમાં થોડો નફો આપી બાદમાં તેની સાથે ૧૬ લાખ ૬૭ હજારની ઠગાઇ કરવામાં આવી હતી. આ સાયબર ફ્રોડમાં સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્‍ટ્ર પુણેના સેડવીક કોલોની ડીઘી રોડ સિધ્‍ધેશ્વર સ્‍કૂલ પાછળ રૂમ નં. ૯માં રહેતાં ગોૈરવ નકુલભાઇ સોનવણે (ઉ.વ.૨૯)ની ધરપકડ કરી છે. આ શખ્‍સના બેંક એકાઉન્‍ટમાં ફ્રોડના રૂા. ૮,૧૪,૦૦૦ જમા થયા હતાં.

સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ થયા બાદ પીઆઇ જે. એમ. કૈલા અને પીઆઇ એમ. એ. ઝણકાત અને ટીમે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં ટેકનીકલ એનાલીસીસ અને ફ્રોડની રકમ જે જે બેંક ખાતામાં જમા થઇ તેના આધારે તપાસ શરૂ થતાં પગેરૂ પુણે સુધી પહોંચ્‍યું હતું અને ગોૈરવ સોનવેણીની ધરપકડ કરવામાં આવી હતી.

ગોૈરવે પોતાના બેંક એકાઉન્‍ટનો ઉપયોગ સાયબર ક્રાઇમના નાણા ટ્રાન્‍સફર કરવા માટે કર્યો હતો. આ બેંક એકાઉન્‍ટમાં અલગ અલગ નવ રાજ્‍યોમાંથી સાયબર ક્રાઇમની રકમો અગાઉ પણ જમા થઇ હોવાનું ખુલ્‍યું હતું. મુખ્‍ય સુત્રધારને શોધવા પોલીસે આ શખ્‍સની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાત, એએસઆઇ વીવેક કુછડીયા, હેડકોન્‍સ. હર્ષરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૩)

(3:41 PM IST)