News of Tuesday, 14th October 2025
રામવન પાસે પાણીમાં મહિલાની હાડપીંજર થઇ ગયેલી લાશ મળી
આશરે ૫૦ વર્ષની ઉમરઃ મૃતક મહિલા કોણ? મૃત્યુ કેવી રીતે થયું? રહસ્ય ઉકેલવા આજીડેમ પોલીસે તપાસ શરૂ કરીઃ કોઇને મૃતક વિશે માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૪: શહેરના આજીડેમ રામવન પાસે જ્યાં ગણપતિ વિસર્જન દર વર્ષે કરવામાં આવે છે તે સ્થળે પાણીમાંથી અજાણ્યા મહિલાની કોહવાઇ ગયેલી હાડપીંજર જેવી થઇ ગયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મહિલા કોણ છે? તેનું મોત કઇ રીતે થયું? તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ રામવન પાસે પાણીમાં અજાણી મહિલાની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ રતન સાખરા સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
મૃતક મહિલાની ઉમર આશરે ૫૦ વર્ષ જેવી જણાય છે. તેના શરીરે લીલા જેવુ બ્લાઉઝ અને લીલા-મહેંદી રંગની ડીઝાઇન વાળી સાડી વંટાળાયેલી છે. મોત કઇ રીતે થયું? મૃતદેહ કોનો છે? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ગૂમ થયેલા મહિલાઓ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક વિશે કોઇને માહિતી હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:43 PM IST)










