તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 15th October 2025
પતિને વિડીયો કોલ કરી વાતચીત કર્યા બાદ ન્યુ કેદારનાથમાં કોમલબેન ખુંટનો આપઘાત
તમે કારખાનેથી ક્યારે આવશો? મેં અને કિયાનએ જમી લીધું છે... સાડાચાર વર્ષના દિકરા કિયાનને બહાર મોકલી પગલુ ભર્યુઃ દિકરો અંદર આવતાં માતાને લટકતાં જોઇ રડતાં રડતાં બહાર ગયો અને પડોશીને જાણ કરીઃ કારણ અકળઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: શહેરના કોઠારીયા રોડ ચાલીસ ફુટ રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતી પરિણીતાએ રાતે પતિને વિડીયો કોલ કરી વાતચીત કર્યા બાદ સાડા ચાર વર્ષના દિકરાને બહાર રમવા મોકલ્યા બાદ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દિકરો અંદર આવતાં માતાને લટકતી જોઇ રડતો રડતો બહાર ગયો હતો અને ડેલીએ પડોશી બેઠા હોઇ તેને વાત કરતાં બધા અવાચક થઇ ગયા હતાં અને તેણીના પતિને ફોનથી જાણ કરી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ ન્યુ કેદારનાથ સોસાયટીમાં જીવનદીપ સ્કૂલની બાજુમાં રહેતી કોમલબેન કિશનભાઇ ખુંટ (ઉ.વ.૩૧) નામની પરિણીતાએ રાતે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી તબીબ કિશનભાઇ મહેતાએ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પીએસઆઇ ડી. યુ. પીઠડીયાએ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. ઇન્વેસ્ટીગેશન હેડકોન્સ. પ્રશાંતસિંહ એન. ગોહિલ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનારા કોમલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં સાડા ચાર વર્ષનો દિકરો કિયાન છે. પતિ કિશનભાઇ બટુકભાઇ ખુંટને સંસકાર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં જોગમાયા એન્ટરપ્રાઇઝ નામે કારખાનુ છે. જેમાં તે અને તેમના ભાઇ સીએનસીનું કામ કરે છે. જાણવા મળ્યા મુજબ કોમલબેને રાતે પતિ કિશન ખુંટને વિડીયો કોલ કર્યો હતો અને પુછ્યું હતું કે-તમે ક્યારે ઘરે આવશો? મેં અને કિયાને જમી લીધુ છે. આ પછી તેણીએ દિકરાને બહાર રમવા મોકલ્યો હતો અને ગળાફાંસો ખાઇ લીધો હતો.
માસુમ દિકરો થોડીવાર રહી ફરીવાર ઘરમાં આવતાં માતાને લટકતી જોતાં રડતો રડતો બહાર ગયો હતો અને પડોશીઓ બેઠા હોઇ તેને પોતાના મમ્મી લટકે છે તેવી વાત કરતાં પડોશીઓ અંદર દોડી જતાં કોમલબેનને લટકતા જોઇ સોૈ હેબતાઇ ગયા હતાં. તુરત જ ૧૦૮ને અને કોમલબેનના પતિને જાણ કરી હતી. જો કે તબિબે તેણીને મૃત જાહેર કર્યા હતાં. કોમલબેનના માવતર ગોંડલના ધુડશીયા ગામે રહે છે. આગામી સમયમાં કુટુંબમાં લગ્નપ્રસંગ આવતો હોઇ ગઇકાલે તેણીએ ઓસ્ટ્રેલિયા રહેતાં બહેન સહિતના સગાને પણ વિડીયોકોલથી વાત કરી હતી અને લગ્નની તૈયારી કરી રહ્યાનું કહ્યું હતું. રાતે અચાનક આવુ પગલુ ભરી લેતાં પતિ સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.
(11:35 AM IST)










