News of Wednesday, 15th October 2025
રાજકોટ યાર્ડમાં ફડાકાવાળીઃ મજુરોની હડતાલ
સીંગફાડા વિભાગમાં ઉતરાઇ બાબતે મજુરને યાર્ડના ઇન્સપેકટરે ફડાકા ઝીંકી દેતા મજુરો હડતાલ ઉપર ઉતરી ગયાઃ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ મામલો થાળે પાડવા મજુરોની બેઠક બોલાવી રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીઓની હરરાજી ચાલુ રહી પરંતુ મજુરોએ માલ ઉપાડવાની ના પાડી કામકાજથી અળગા રહયાઃ ઇજાગ્રસ્ત મજુરને હોસ્પિટલે ખસેડાયો

રાજકોટ તા.૧૫: સોૈરાષ્ટ્રના અગ્રીમ હરોળના રાજકોટ માર્કેટયાર્ડમાં દિપાવલી પૂર્વે યાર્ડના ઇન્સપેકટરે મજુરને ફડાકા ઝીંકી દેતા મજુરો વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. બનાવની જાણ થતા રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ મામલો થાળે પાડવા મજુરો સાથે બેઠક યોજી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ માર્કેટયાર્ડમાં સિંગફાડા વિભાગમાં આજે સવારે માલની ઉતરાઇ બાબતે મજુર સાથે ચડસા-ચડસી થતાં ઉશ્કેરાયેલ યાર્ડના ઇન્સપેકટરે મજુરને ફડાકા ઝીંકી દિધા હતા. મજુરને ઇજા થતાં તાત્કાલીક ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.
બીજીબાજુ મજુર ઉપર ફડાકાવાળી થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકોટ માર્કેટયાર્ડના મજુરો વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. યાર્ડમાં હરરાજીનું કામકાજ ચાલુ છે પરંતુ મજુરોએ માલ ઉપાડવાની ના પાડી કામકાજથી અળગા રહયા હતા.
દરમ્યાન આ અંગે યાર્ડના ચેરમેન જયેશ બોઘરાને જાણ થતા તેઓએ તાકીદે માર્કેટયાર્ડ ખાતે દોડી જઇ મામલો થાળે પાડવા મજુરોના આગેવાનો સાથે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે.
દિપાવલી પર્વ પૂર્વે જ રાજકોટ માર્કેટયાર્ડમાં મજુરોની હડતાલથી કામકાજ ઠપ્પ થઇ ગયું છે
(1:39 PM IST)










