<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ટાઉનશીપના પાર્કિંગમાં બેઠેલા વૃધ્‍ધને રિવર્સમાં બેફામ કાર ચલાવી ચાલકે ઠોકરે લીધા, માથે જતાં ધમકી

આ તો કાર છે, મારી ટ્રક હોય તો તે પણ ચડાવી દઉં! જીવરાજ પાર્ક પાસે રહેતાં ૭૦ વર્ષના દેવજીભાઇ ધામી શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં દિકરીના ઘરે આટો દેવા ગયા ત્‍યારે બનાવઃ કારચાલક પુલીન સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૫: શહેરના જીવરાજ પાર્ક પાસે રહેતાં વૃધ્‍ધ ૧૫૦ રીંગ રોડ શિતલ પાર્ક પાસે શહિદ સુખદેવસિંહ ટાઉનશીપમાં દિકરીના ઘરે આટો દેવા ગયા હોઇ ત્‍યાં પાર્કિંગમાં બેઠા હતાં ત્‍યારે અહિ જ રહેતાં શખ્‍સે રિવર્સમાં કાર હંકારી આ વૃધ્‍ધને ઠોકરે લઇ ઇજા પહોંચાડી માથે જતાં તેમને અને તેમની દિકરીને ગાળો દઇ આ તો કાર છે, ટ્રક હોય તો એ પણ ચડાવી દઉં તેમ કહી ધમકી આપતાં ચકચાર જાગી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપની બાજુમાં શ્‍યામલ એ-૨૦૩ ખાતે રહેતાં દેવજીભાઇ ગોરધનભાઇ ધામી (ઉ.વ.૭૦)ની ફરિયાદ પરથી શહીદ સુખદેવસિંહ ટાઉનશીપ ખાતે રહેતાં પુલીન ગણાત્રા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

દેવજીભાઇ ધામી પરિવાર સાથે રહે છે અને નિવૃત જીવન જીવે છે. તેમણે જણાવ્‍યું હતું કે તા. ૨/૧૦ના રોજ સવારે મારી દિકરી સોનલબેન કે જે શહિદ સુખદેવસિંહ ટાઉનશીપ એ-૧૦૩ ખાતે રહે છે ત્‍યાં હું રોકાવા ગયો હતો. સવારે સાડા નવેક વાગ્‍યે હું આ એપાર્ટમેન્‍ટની નીચે બેઠો હતો ત્‍યારે પાર્કિંગમાં એક કારચાલકે પુરપાટ કાર રિવર્સમાં લઇ હું બેઠો હતો ત્‍યાં મને ઠોકરે ચડાવતાં મેં દેકારો મચાવતાં મારા દિકરી તથા એપાર્ટમેન્‍ટમાં રહેતાં બીજા લોકો દોડી આવ્‍યા હતાં અને કાર ચાલકને આ રીતે કાર ન ચલાવાય તેમ કહી સમજાવ્‍યો હતો. આ કારણે કારચાલકે ઉશ્‍કેરાઇ જઇ મને અને મારા દિકરીને જેમફાવે તેમ ગાળો દીધી હતી અને ‘અહિ ગાડી ચલાવતાં હોય ત્‍યારે રસ્‍તામાં ન બેસાય' તેમ કહી ‘આ તો કાર છે, મારી ટ્રક હોય તો તે પણ ચડાવી દઉ' તેમ કહી ધમકી આપી હતી.

મને ઇજા થઇ હોઇ ભેગા થયેલા લોકોમાંથી કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી ગઇ હતી. બાદમાં મારા દિકરા રાહુલ પણ આવી જતાં તે મને સારવાર માટે લઇ ગયેલ. મને માથા, ડાબા ખભે, જમણા ગોઠણે ઇજા થઇ હતી. હોસ્‍પિટલમાંથી મને રજા અપાયા બાદ તપાસ કરતાં અકસ્‍માત સર્જનાર કારચાલકનું નામ પુલીન ગણાત્રા હોઇ અને તે મારી દિકરી રહે છે એ જગ્‍યાએ જ રહેતો હોવાની મને જાણ થઇ હતી. એક જ એપાર્ટમેન્‍ટના રહેવાસી હોઇ અમે જે તે વખતે ફયિરાદ નહિ કરવાનું અને સમાધાન કરી લેવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હવે આ શખ્‍સ કહે છે કે-તારાથી થાય તે કરે લેવું. જેથી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં દેવજીભાઇએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:13 PM IST)