તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઇ ક્લીક કર્યુઃ એરપોર્ટ રોડના યુવાન સાથે શેરબજારના નામે રૂા. ૨.૫૯ લાખની ઠગાઇ
દિવ્યા નામની ગ્રુપ એડમીને શેરબજારની ટીપ્સ આપી રોકાણ કરવા કહ્યું: લાખોનો નફો એકાઉન્ટમાં દેખાયોઃ પણ રકમ વીડ્રો કરવા જતાં ટેક્સ મંગાયોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૫: સોશિયલ મિડીયા થકી વધુ એક ફ્રોડ આચરવામાં આવ્યું છે. એરપોર્ટ ફાટક નજીક રહેતાં યુવાને ઇન્સ્ટાગ્રામમાં શેરબજારની ટીપ્સને લગતે એક જાહેરાત જોઇ ક્લીક કરતાં તેને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરી ગ્રુપની એડમીન યુવતિએ વાત કરી તેના નામનું એકાઉન્ટ ખોલાવી અલગ અલગ શેરમાં રોકાણ કરવા જણાવતાં યુવાને ૨.૫૯ લાખનું રોકાણ કરી દીધુ હતું. જેની સામે તેના એકાઉન્ટમાં ૧૨ લાખથી વધુનો નફો બતાવતો હતો. પરંતુ તેણે આ રકમ વીડ્રો કરવા પ્રયાસ કરતાં તેની પાસેથી ટેક્સ માંગી રકમ ઉપાડવા નહિ દેવાતાં તેને ઠગાઇ થયાની ખબર પડી હતી.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે એરપોર્ટ ફાટક પાસે જયગીત સોસાયટી-૧ મહાકાલેશ્વર મંદિર પાસે રહેતાં જયસેન ગોવિંદભાઇ મહાબોધી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી મોબાઇલ નંબરના ધારક અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
જયસેન મહાબોધી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરુ છું. તા. ૬/૪/૨૫ના રોજ મેં ઇન્સ્ટાગ્રામમાં એક એડ જોઇ હતી જેમાં શેરબજારની ટીપ્સ મેળવી સારુ રીટર્ન મેળવો તેવુ લખેલુ હતું. જેથી મેં આ જાહેરાત પર ક્લીક કરતાં મને બી ડેવલપમેન્ટ ટીમ૦૮ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એડ થઇ ગયો હતો. જેમાં બીજા પણ અનેક લોકો આ ગ્રુપમાં મારી જેમ જોડાયેલા હોવાનું જણાયું હતું. ગ્રુપ એડમીનના મોબાઇલ નંબર ૯૧૫૫૧ ૪૮૯૦૬ હતાં. તેનું નામ દિવ્યા શાહ હતું. ગ્રુપમાં જેટલા સભ્યો હતો તેને દિવ્યા શાહ દ્વારા અલગ અલગ શેર ખરીદવા ટીપ્સ અને સુચનો અપાતા હતાં. તેણે મને પણ વ્હોટ્સએપ ચેટ મારફત વાતચીત કરી કહ્યું હતું કે તમારે એકાઉન્ટ ખોલવું પડશે હું તેના માટે લિંક મોકલું છું.
બાદમાં મને લિંક મળતાં તેના દ્વારા પ્લેસ્ટોર પરથી આઇબીપીઆઇ નામની એપ હતી તે ઇન્સ્ટોલ કરી હતી. જેમાં મારા પાન કાર્ડ, બેંક ડિટેલ મંગાતા મેં વિગતો આપી હતી. આ પછી મારુ એકાઉન્ટ ખુલી ગયું હતું. બાદમાં મને રોજે રોજ એડમીન દ્વારા અલગ અલગ શેર ખરીદવા વેંચવા સુચના અપાતી હતી. તા. ૨૩/૪ના રોજ મને ટીઆરએલ શેર ખરીદવા કહેતાં મેં ૧૦ હજારનું રોકાણ કર્યુ હતું. એ પછી ૫૦ હજાર ફરી ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબરાદ ૩૦ હજાર, ૫૦ હજાર, ૯૯ હજાર, ૨૦ હજાર ટ્રાન્સફર કર્યા હતાં. આ પછી મને અલગ અલગ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા કહેવાયુ હતું. મેં વિશ્વાસ રાખી કુલ રૂા. ૨,૫૯,૦૦૦નું રોકાણ કર્યુ હતું.
આ રોકાણ સામે મારી એપ્લીકેશનમાં શેરના ભાવ વધતા નફો અને ઘટે તો નુકસાન બતાવતું હતું. મેં કરેલા રોકાણ સામે ભાવ વધતા કુલ રૂા. ૧૨,૨૯,૯૧૬નો નફો મારા એકાઉન્ટમાં બતાવતો હતો. મારે પૈસાની જરૂર ઉભી થતાં મેં શેરની એપ ઉપરના મારા તમામ શેર વેંચી નાંખ્યા હતાં. વેંચેલા શેરની રકમ પણ મારી એપના એકાઉન્ટમાં બતાવતી હતી. આ પછી મેં રકમ મારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા એપ મારફત પ્રોસેસ કરતાં એક નોટીસ મારા મોબાઇલ નંબર ઉપર આવી હતી. જે ઇન્ટ્રેક્ટીવ બ્રોકર્સના નામે હતી. જેણે આ રકમ વીડ્રો કરવી હોય તો અલગ અલગ ટેક્સ જેમ કે શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન્સ ટેક્સ ૨૦ ટકા, સિક્યુરીટી ટ્રાન્જેક્શન ટેકસ ૦.૧ ટકા અને હેલ્થ એજ્યુકેશન સેસના ૪ ટકા મળી કુલ ૨૪.૧ ટકા ટેક્સની રકમ ભરવા કહેવાયું હતું.
જેથી મેં મારા મિત્ર અખીલ વાઘેલા કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરતાં હોઇ તેને વાત કરતાં તેણે કહેલુ કે કોઇ કંપની, કોઇ એપ જો સાચી હોય તો આ રીતે નોટીસ આપે નહિ. જો તમારી એપના એકાઉન્ટમાંથી પૈસા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના હોય તો વધારાના કોઇ પૈસા ભરવાના હોતા નથી. રૂપિયા ટ્રાન્સફર થાય ત્યારે આપોઆપ તેમાંથી ટેક્સની રકમ કપાઇ જતી હોય છે. આથી મને મારી સાથે ફ્રોડ થયાની શંકા ઉપજી હતી. બાદમાં મેં મારા મિત્ર ભાર્ગવ લાડવા એન્જલ બ્રોકીંગ નામે શેરનું કામ કરતાં હોઇ તેને મળીને વાત કરતાં તેણે પણ કહ્યું હતું કે આવા કોઇ ટેક્સના પૈસા ભરવાના હોતા નથી. આ પછી મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર ફોન કરી ફરિયાદ કરી હતી. આમ મારી સાથે શેરબજારમાં રોકાણના નામે ૨,૫૯,૦૦૦ની ઠગાઇ થઇ હતી. તેમ વધુમાં જયસેન મહાબોધીએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. શ્યોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:21 PM IST)










