<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

રાજકોટ એસટીમાં ચિક્કાર ટ્રાફીકઃ ૧૦૦ એકસ્‍ટ્રા બસો મૂકાઈ

ઓનલાઈન બુકીંગ ૧૦૦ ટકા ફૂલઃ રોજની આવક ૭૦ લાખે પહોંચી જશેઃ ડેપો ઉપર લોકો ઉમટી પડયા રાજકોટથી અમદાવાદ-વડોદરા-દાહોદ-પંચમહાલ-ભાવનગર-ભૂજ-જુનાગઢ-સોમનાથ-દ્વારકા સહિતના સ્‍થળોએ એકસ્‍ટ્રા બસો દોડાવાશે

રાજકોટ, તા.૧૫: દિવાળીના પર્વ સંદર્ભે રાજકોટ સહિત જીલ્લાના તમામ બસ ડેપો ઉપર લોકોની ચિક્કાર ભીડ ઉમટી પડી છે, પરિણામે રાજકોટ એસટી વિભાગ દ્વારા તેનું આગોતરું આયોજન કરવામાં આવ્‍યું છે.

હાલ રાજકોટ, મોરબી અને સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી ૫૫૦ જેટલી બસ દોડે છે. જોકે દિવાળીમાં લોકો પોતાના તોહીજનોને ત્‍યાં જવા માટે તેમજ હરવા ફરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. ત્‍યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા ૧૦૦ એક્‍સ્‍ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ભુજ, જુનાગઢ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સ્‍થળોએ તહેવારોમાં ભારે ભીડને ધ્‍યાનમાં રાખીને એક્‍સ્‍ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્‍યાં સુધી એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. જેથી મુસાફરોને ખાનગી બસોમાં ચા ભાડા આપી લૂંટાવવુ ન પડે. રાજકોટ એસટી વિભાગમાં દૈનિક અંદાજે ૨૫૦૦૦ જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં દિવાળી દરમિયાન અંદાજે ૫૦૦૦ મૂસાફરોનો વધારો થશે.

એસટી બસ સ્‍ટેશન ઉપર ટિકિટ બુકિંગ કરાવવા માટે મુસાફરોની લાંબી કથા ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા GSRTC ની વેબસાઈટ અથવા તો એપ્‍લિકેશન પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. આજથી એસટી વિભાગની દૈનિક આવક રૂ.૭૦ લાખને પાર પહોંચી જશે. જોકે એસટી વિભાગ દ્વારા એક્‍સ્‍ટ્રા બસો મૂકવામાં આવી છે. જેમાં મુસાફર પાસેથી સવા ગણા ભાડાની વસૂલાત કરવામાં આવશે.

રાજકોટમાં ૧૦૦ એકસ્‍ટ્રા બસો મૂકવામાં આવી, રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ  જણાવ્‍યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી ગત વર્ષે દિવાળીમાં ૮૦ એક બસો મૂકવામાં આવી હતી જેની સામે આ વર્ષે ૧૦૦ બસો મૂકવામાં આવી છે. જેમાં રાજકોટથી ૨૦, ગોંડલથી ૧૫ અને સુરેન્‍દ્રનગરથી ૧૦ સહિતની વધારાની બસો મુસાફરોની સગવડતા માટે મૂકવામાં આવી છે. આ ઉપરાંત જસદણથી ૧૦, મોરબીથી ૧૦, વાંકાનેરથી ૧૦, લીંબડીથી ૮, ધ્રાંગધ્રાથી ૮ એકસ્‍ટ્રા બસો દોડશે. ગુજરાત રાજ્‍યમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને બસ સહિતની બાબતના કોઈપણ પ્રકારના પ્રશ્‍નો હોય તો તેના માટે હેલ્‍પલાઇન નંબર છે જે ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ છે. આ એક ટોલ ફ્રી નંબર છે. જે નંબર પર મુસાફર ફોન કરતા જ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ પર ફોન જશે. જ્‍યાં ફરિયાદ કરતાની સાથે જ મુસાફરોની સમસ્‍યાનું નિરાકરણ આવી જશે.

(3:35 PM IST)