<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

જંગલેશ્વર રાધાકૃષ્‍ણનગરના ત્રણ યુવાનો પર વિક્રમ ચોકમાં હિચકારો હુમલોઃ હત્‍યાનો પ્રયાસ

હવે શેરીમાં આપણને જે બેસવાની ના પાડે તેને છરી મારી દેવી છે કહી વિશ્વજીત દેકારો કરતો હોઇ ચેતન ચાવડાએ સમજાવતાં તૂટી પડયો ચેતનભાઇ ચાવડાને છરી ઝીંકાતા તેને બચાવવા વચ્‍ચે પડેલા પાડોશી પ્રભાતભાઇ જળ અને અરવિંદભાઇ ચોહાણ પણ ઘવાયાઃ ચાની હોટલ ધરાવતાં પ્રભાતભાઇની હાલત ગંભીરઃ પેટ-છાતી વચ્‍ચે ઉંડો ઘા લાગ્‍યો

પ્રથમ બે તસ્‍વીરમાં હુમલામાં ગંભીર ઇજા પામનાર પ્રભાતભાઇ જળુ, ચેતનભાઇ ચાવડા અને ત્રીજી-ચોથી તસ્‍વીરમાં હુમલાખોર અરમાન અજમેરી તથા વિશ્વજીત જળુ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૫: જંગલેશ્વર ભવાની ચોક નજીક રાધાકૃષ્‍ણનગરમાં રહેતાં યુવાન પર ચાર શખ્‍સોએ છરીથી હુમલો કરતાં તેને બચાવવા બે પડોશી યુવાન વચ્‍ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકી દેવાયા હતાં. જેમાં એકની હાલત ગંભીર છે. ભક્‍તિનગર પોલીસે ચાર શખ્‍સો વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. આ ચાર પૈકી બે શખ્‍સો પોતાને પણ ઇજા થયાની રાવ સાથે હોસ્‍પિટલમાં પહોંચતા તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો હતો. હુમલાખોર શેરીમાં જેમ ફાવે તેમ બોલતો હોઇ તેને આ રીતે વર્તન કરવાની ના પાડતાં ત્રણ સાગ્રીતો સાથે મળી છરી, તલવાર, પાઇપથી હુમલો કર્યો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે હુમલામાં ઘાયલ પૈકીના જંગલેશ્વર રાધાકૃષ્‍ણનગર-૧૯/૨૦ના ખુણે રહેતાં ચેતન ધીરૂભાઇ ચાવડા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી રણુજા મંદિર પાસે ગોકુલ પાર્કમાં રહેતાં અને જંગલેશ્વર વિસ્‍તારમાં પડયા રહેતાં વિશ્વજીત પ્રભાતભાઇ જળુ  (ઉ.વ.૨૧) તથા તેના મિત્ર જંગલેશ્વર ભવાની ચોકના અરમાન મહેબુબભાઇ અજમેરી (ઉ.વ.૨૧) અને બે અજાણ્‍યા શખ્‍સો સામે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. વિશ્વજીત અને અરમાન પણ પોતાને ઇજા થયાની રાવ સાથે હોસ્‍પિટલમાં દાખલ થયા હોઇ તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો હતો.

ચેતન ચાવડાએ જણાવ્‍યું છે કે હું ઘરે બેઠા કાંડા ઘડીયાળ ફીટીંગનું કામ કરુ છું અને મારી સાથે મારા માતા-પિતા-બહેન રહે છે. મંગળવારે રાતે અગીયારેક વાગ્‍યે હું ગોવિંદનગર મારૂતી હોલ ખાતેથી નીકળી એક્‍ટીવા હંકારી મારા ઘરે જતો હતો ત્‍યારે દસેક મિનીટ બાદ વિક્રમ ચોક રાધાકૃષ્‍ણ નગર ખાતે પહોંચતા વિશ્વજીત જળુ અને અરમાન અજમેરી તથા બે અજાણ્‍યા શખ્‍સો હાથમાં છરી, પાઇપ, તલવાર ધારણ કરીને ઉભા હતાં અને વિશ્વજીત બોલતો હતો કે-હવે આ શેરીમાં બેસવાની આપણને કોણ ના પાડે છે એ જોવુ છે, કોઇ ના પાડે તો અને છરીના ઘા મારી દેવા છે.

આથી હું તેની પાસે ગયો હતો અને તેને આ રીતે શેરીમાં જાહેરમાં મનફાવે તેમ નહિ બોલવા સમજાવતાં તેને ગમ્‍યું નહોતું. આથી તેણે છરીથી મને પેડુના નીચેના ભાગે એક ઘા મારી દીધો હતો. બીજો ઘા મારવા જતાં મેં હાથ આડો રાખી દેતાં હાથની આંગણીમાં ઇજા થઇ હતી. વિશ્વજીતની સાથેના ત્રણ શખ્‍સોએ પણ મને ઢીકાપાટુ મારી ઝપાઝપી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી.

આ વખતે દેકારો થતાં અમારા પાડોશી પ્રભાતભાઇ કાળુભાઇ લાવડીયા (ઉ.વ.૪૦) અને અરવિંદભાઇ રમેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૪) મને છોડાવવા દોડી આવ્‍યા હતાં. આથી વિશ્વજીતે આ બંને ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. જેમાં પ્રભાતભાઇ જળુને પેટ, છાતીમાં બે ઘા લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. અરવિંદભાઇને બાવાડામાં ઇજા થઇ હતી. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી અને અમને ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. જેમાં ડોક્‍ટરે જણાવ્‍યું હતું કે પ્રભાતભાઇ જળુને પેટ-છાતીની વચ્‍ચે સંવેદનશીલ ભાગમાં છરી લાગી ગઇ હોઇ તેમની હાલત નાજુક છે અને ગંભીર છે. તેમ જણાવી પ્રભાતભાઇને તુરત ઓપરેશન માટે  લઇ ગયા હતાં. મને અને અરવિંદભાઇને દાખલ કરાયા હતાં.

ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. પ્રશાંતસિંહ ગોહિલ સહિતે હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. હુમલો કરનારા ચાર પૈકીનો વિશ્વજીત પ્રભાતભાઇ જળુ અને અરમાન અનવરભાઇ અજમેરી પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે હોસ્‍પિટલમાં દાખલ થઇ જતાં તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ વિશ્વજીત અગાઉ દારૂમાં પકડાયો હતો અને અરમાનને તાજેતરમાં છરી સાથે પકડી લેવાયો હતો.

હુમલામાં ગંભીર ઇજા પામનારા પ્રભાતભાઇ જળુ ત્રણ ભાઇમાં મોટા છે. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તે સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ક્રિષ્‍ના ટી સ્‍ટોલ નામે હોટલ ચલાવે છે. તેમને ગંભીર હાલતમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્‍યા છે. 

આરોપી પૈકી અરમાનને ગઇકાલે જ છરી સાથે પકડવામાં આવ્‍યો હતોઃ છુટયા પછી રાતે ગંભીર ગુનો આચર્યો

 હત્‍યાની કોશિષના ગુનામાં સામેલ ચાર આરોપી પૈકી અરમાન મહેબુબભાઇ અજમેરી (રહે. જંગલેશ્વર મહેશ્વરી સોસાયટી)ને ગઇકાલે જ ભક્‍તિનગર પોલીસે છરી સાથે અંકુર સોસાયટીમાંથી પકડયો હતો. સાંજે છુટયા પછી તેણે મોડી રાતે વિક્રમ ચોકમાં રાધાકૃષ્‍ણનગરના ત્રણ યુવાનો પર વિશ્વજીત સાથે મળી હુમલો કર્યો હતો. જેમાં હત્‍યાની કોક્ષિનો ગુનો દાખલ થયો છે.
 

(3:50 PM IST)