<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ગુજરાત રાજય હજ્જ સમિતિએ આગવી ઓળખ ઉભી કરી છે : કાઝી

રૂ.૩ લાખ ૭૩ હજારમાંથી રૂ. ૩ લાખ ૨૩ હજારની રકમ કરી : નજીવા કવોટામાંથી આજે ૧૫ હજારનો કવોટો કર્યો : હાજીઓની સેવા માટે ગત વખતે ૨૬ તબીબો અને ૧૧૭ સેવાભાવીઓ સતત સેવામાં ખડેપગે રહ્યા : ગત વખતે જ વિમાનનો અભાવ સર્જાતા વાયા વિજય વાડાની સેવા ઉપલબ્‍ધ કરાવાઈ પણ યાત્રિકોને કોઈ તકલીફ શુદ્ધા ન થઈ : ભાજપ પ્રદેશ લઘુમતિ મોર્ચાના મહામંત્રીની ‘અકિલા' સાથે વાતચીત : સમિતિને નહિં પણ હાજીઓને પૂછો તેવો નમ્ર પડકાર કરતા સમિતિના સભ્‍ય નાહીન કાઝી

ગુજરાત પ્રદેશ ભાજપ લધુમતિ મોર્ચાના મહામંત્રી અને ગુજરાત રાજય હજજ સમિતિના ઉત્‍સાહી, કાર્યશીલ સભ્‍ય શ્રી નાહીન અબ્‍દુલ હફીઝ કાઝી (ભાવનગર) આજે ‘અકિલા' કાર્યાલયે મુલાકાતે આવતા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાતચીત વેળાની તસ્‍વીરમાં શ્રી કાઝી તથા બાજુમાં તેઓની સાથે રહેલા રાજકોટના ઉદ્યોગપતિ હાજી આશિકભાઇ દલવાણી તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ, તા. ૧પ :  છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજય હજજ સમિતિએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. કેટલાક લોકો અથવા તો વિપક્ષ વિરોધ કરતા હોય પરંતુ આજે જે લોકો ગુ.રા. હજજ સમિતિ દ્વારા હજજ યાત્રા કરી છે તેઓ જ ખુદ હજજ  સમિતિનો બોલતો પુરાવો છે તેમ ‘અકિલા' સમક્ષ ભાજપ શાસનમાં લઘુમતિઓના કલ્‍યાણર્થે થયેલા વિકાસ અંગેની વાતચીતમાં શ્રી નાહીનકાઝીએ કહ્યું હતું.

ભાવનગર સ્‍થિત અને ગુજરાત રાાજય હજજ સમિતિના સભ્‍ય તરીકે ફરજ બજાવી રહેલા નાહીન કાઝી છેલ્લા પા઼ચ વર્ષથી સમિતિમાં સભ્‍ય તરીકે છે અને ભાજપ પ્રદેશ લઘુમતિ મોર્ચામાં પણ મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

શ્રી કાઝીએ વાતચીત દરમિયાન વધુમાં કહ્યુ઼ કે, હજજ યાત્રાનો ગુજરાતનો કવોટા ર૦ર૩માં ૯ હજાર હતો જે વર્તમાન સમિતિએ આજે ૧પ હજાર સુધી પહોંચાડયો છે. હાલની હજજ સમિતિ સતત કાર્યરત રહી છે જે માટે સમિતિના ચેરમેન શ્રી હાજી ઇકબાલ સૈયદનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. ‘‘જન સેવા એ જ પ્રભુસેવા''માં માનતા અને માનવતાનો ધર્મ જ મહાન હોવાને મહત્‍વ આપતા શ્રી કાઝી ૧૯૯૦માં ભાજપમાં જોડાયા બાદ ભૂતકાળમાં ર૦ર૦માં ભાવનગર ભાજપમાં ઉપાધ્‍યક્ષ તરીકે પણ રહી ચુકયા છે.

જો કે વ્‍યવસાયે બિલ્‍ડર્સ અને વર્ષોથી ભાજપમાં જોડાયેલા છે એક સમયમાં તેઓ દિવાલ ઉપર પોતાના હાથે ગળી દ્વારા ‘‘ભાજપ'' લખતા હતા. ભાજપમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હોવાનું કહી શ્રી કાઝીએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં હજજયાત્રિકોનો ગુજરાતનો કવોટા પણ વધ્‍યો છે એટલું જ નહીં. એક સમયે રૂ. ૩ લાખ ૭૩ હજારની રકમ પ્રતિ વ્‍યીકત ભરવી પડતી હતી તે આજે ૩,ર૩,૦૦૦ સુધી નીચલા સ્‍તર સુધી આ સમિતિએ પોતાના સઘળા પ્રયાસો કરીને પહોંચાડી છે.

ગયા વર્ષે ઓલ ઇન્‍ડીયા હજજ કમિટી દ્વારા જે હજજયાત્રા સંપન્ન થઇ તેના પછી આજે લોકો હજજ કમિટી તરફ વધુ પ્રમાણમાં વળ્‍યા છે અને હજજ કમિટીની સેવા-સુવિધાથી આર્કષાઇને આ વખતે બમણી સંખ્‍યામાં અરજીઓ આવી પડતા આખા દેશમાં હજજ કમિટીમાં કવોટા સંપૂર્ણ થઇ ગયો છે. આમ છતાં પણ આ વખતે ગુજરાતનો કવોટા વધારવા પ્રયાસો ચાલુ રહેલા થોડા દિવસ પહેલા જ સફળતા મળી છે અને વેઇટીંગ લીસ્‍ટ જાહેર કરાયું છે.

ગુજરાત રાજય હજજ સમિતિ દ્વારા જેઓએ ‘‘હજજયાત્રા'' કરી છે. તેઓને અને હરકોઇ પૂછી શકે છે તેવો નમ્ર પડકાર કરતા શ્રી નાહીન કાઝીએ વધુમાં કહ્યું કે ગયા વર્ષે જયારે ર૦૦ હજજયાત્રિકોને  વિમાનનો અભાવ સર્જીતા સમિતિએ તુર્ત જ હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ અને તે વખતના પ્રોટોકોલમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માને વાત કરતા તુર્ત જ તેઓએ વાયા વિજયવાડા વિમાનની વ્‍યવસ્‍થા કરી આપતા કોઇપણ હજજયાત્રિકને પ્રથમથી જ કોઇ તકલીફ પહોંચી ન હતી.

બીજી તરફ હજજ સમિતિ દ્વારા અમદાવાદથી અમદાવાદ સુધીની હજજયાત્રિકોની જે સફર છે તેમાં જમવા, રહેવા સહિતની અન્‍ય સેવા-સુવિધાઓમાં જરાપણ ચુક થતી નથી આ માટે સમિતિની સતત બાજનજર હોય છે અને આ માટે સમિતિ દ્વારા ગુજરાતભરના સરકારી કર્મચારીઓને ત્‍યાં સાઉદી અરેબીયા મોકલવામાં આવે છે જેમાં ગત વખતે ર૬ તબીબો અને ૧૧૭ કર્મચારીઓ સેવારત રહ્યા હતા આ સંખ્‍યા પણ ઓછી હતી જે વધારવામાં પણ સમિતિ સફળ રહી છે.

દરમિયાન શ્રી કાઝીએ કહ્યું કે, આ વખતે સમિતિ દ્વારા હજજ યાત્રિકોને સાઉદી અરેબીઆમાં ભોજન જોઇતુ હોય તો એ પ્રમાણે રકમ લેવાશે અને પોતાનું ભોજન બનાવવું હોય તો એ પ્રમાણે રકમ લેવાશે તેવો નિર્ણય લેવાયો છે.

ગત વખતે જ સ્‍વખર્ચે હજજયાત્રિકોની સેવા અર્થે ગુજરાતના હાજીઓની સાથે ગયેલા શ્રી નાહીન કાઝીએ કહ્યું કે, હજજ સમિતિ દ્વારા સુંદર સફળ કામગીરી રહી અને જરૂર પડી ત્‍યાં સુધી કેટલાય દિવસો સુધી પોતે એરપોર્ટ ઉપર જ રહેતા હતા.

લઘુમતિઓના કલ્‍યાણાર્થે ભાજપ સહકાર સતત ચિંતિત રહી છે તેમ કહી શ્રી કાઝીએ કહ્યુ઼કે, દાઉદી વ્‍હોરા સમાજ તેઓની હુસેની કમિટી દ્વારા હજજ યાત્રાએ જાય છે તેઓને હજજ સમિતિ દ્વારા હજજયાત્રાએ જવા માટે અત્‍યારે તેઓ પોતે વ્‍હોરા સમાજમાં ગામે ગામ મુલાકાતો કરી વ્‍હોરા સમાજને ફાયદો પહોંચાડવા અને તેઓને પણ ગુજરાત રાજય હજજ સમિતિનો ઉપયોગ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુજરાત રાજય હજજ સમિતિ હજજ યાત્રિકોની દેખરેખ અને સુવિધાઓમાં પાછીપાની નહીં કરવાનો નિર્ધાર સાથે આજે દેશભરમાં મોખરે રહી છે એ જ રીતે તેણે પોતાની આગવી ઓળખ ઉભી કરી આ વખતે જ હજજયાત્રિકોનો જબરો ઘસારો સમિતિ તરફ જ રહ્યો છે તે હજજ સમિતિની સફળ કામગીરી પુરવાર કરે છે. 

સેવાભાવી નાહીન કાઝીએ સોપેલ જવાબદારી સુપેરે બજાવી

વડગામમાં લધુમતિઓની પ૧ પેજ બૂથ સભ્‍યોની સમિતિ રચી રર કી.મી. લાંબી તિરંગા યાત્રા યોજી

રાજકોટ, તા. ૧પઃ હજ્જ યાત્રીકોની સતત સાથે રહી લધુમતિઓમાં પોતાની એક અલગ જ છબી ઉભી કરનારા શ્રી નાહીન કાઝી (ભાવનગર, મો. નં. ૯૮૨૫૧ ૭૭૪૪૬) એ ભાજપ પ્રદેશ લધુમતિ મોર્ચાના મહામંત્રી તરીકેની જવાબદારી પણ સુપેરે બજાવી છે.

ગત ટર્મના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલએ તેઓને વડગામ વિધાન સભામાં પેજ બુથ સમિતિ બજાવવાની જવાબદારી સોપતા શ્રી કાઝી વડગામ પહોંચ્‍યા હતા અને પહેલીજ વાર પ૧ (એકાવન) પેજ બૂથ સભ્‍યોની સમિતિ ર૦રર માં બજાવી હતી એટલુ જ નહી. વડગામમાં ૧૦૦૦ (એક હજાર) મુસ્‍લિમ યુવાનોની બાઇક રેલી યોજી હતી જે રેલી રર (બાવીસ) કી.મી. લાંબી ચાલી હતી.  આ ઉપરાંત પણ લધુમતિ સમાજમાં તેઓ સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને મહત્‍વતા આપી અનેક કાર્યક્રમો થકી લધુમતિ સમાજને ભાજપ સરકારના લાભો પહોંચાડી રહયા છે જે માટે લધુમતિ સમાજને પણ ભાજપ સાથે રહી આ લાભો લેવા પ્રયાસો કરી રહયા હોઇ તેમાં પણ શ્રી કાઝી સફળતા મેળવી રહયા છે.

(4:12 PM IST)