<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

દેણુ થઇ જતા રાજકોટના જયેશભાઇ રાણીંગાએ અડધા કરોડના દાગીનાની ચોરીનું તરકટ રચ્‍યું !

રાજકોટથી સોનુ લાવી ઉપલેટા સ્‍થિત ઘરે સંતાડી દઇ બાદમાં ચોરી થયાની પોલીસમાં ખોટી ફરીયાદ કરતા ભાયાવદર પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચે તપાસ કરી ભાંડો ફોડયો સંયુકત મિલ્‍કતમાં ભાગ ન પડતા દેવુ થઇ જતા લેણદારોને રૂપીયા આપવા ન પડે તે માટે ચોરીની ખોટી સ્‍ટોરી ઉભી કરનાર જયેશની ધરપકડ

તસ્‍વીરમાં ચોરીની ખોટી ફરીયાદ કરનાર શખ્‍સ અને સોનાના દાગીના નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૬: રાજકોટના વૃધ્‍ધને ઉપલેટા સ્‍થિત સંયુકત મિલ્‍કતમાં ભાગ ન પડતા અને પોતાના માથે દેણુ થઇ જતા લેણદારોને રૂપીયા ન આપવા પડે તે માટે અડધા કરોડના સોનાના દાગીનાની ચોરીની પોલીસમાં ખોટી ફરીયાદ કરી હતી. પરંતુ ભાયાવદર પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચે તપાસ કરી  ભાંડો ફોડી ખોટી ફરીયાદ કરનાર રાજકોટના શખ્‍સની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ ગઇ તા.૧૫/૧૦ના રોજ ભાયાવદર પોલીસ સ્‍ટેશનના મોબાઈલ ફોનમા ઉપલેટા પો.સ્‍ટે.થી ટેલીફોનીક જાણ કરેલ કે, જયેશ રામજીભાઇ રાણીંગા, રહે. ઉપલેટા વાળા મોટર સાયકલ લઇને ખાખીજાળીયા ગામ તરફ આવતા હોય અને ડાળમા દાદાના મંદિર પાસે ખાખી જાળીયાર રોડ ઉપર બેહોશ થઇ જતા ૧૦૮ માં પ્રથમ સરકારી હોસ્‍પિટલ ઉપલેટા બાદ સમર્પણ હોસ્‍પિટલ ઉપલેટામાં સારવાર અર્થે દાખલ હોય અને તેની પાસે રહેલા થેલામાંથી ૪૫૩ ગ્રામ જેટલુ સોનુ ગાયબ થયેલ છે.

આ બનાવ અંગે  પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી ડીવીઝનના ઇ/ચા મદદનીશ પોલીસ અધિક્ષક કે જી. ઝાલાએ ઉપરોક્‍ત બનાવ બાબતે ત્‍વરીત તપાસ કરી આરોપી શોધી કાઢી મુદ્દમાલ રીકવર કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍યના એલ.સી.બી. ના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર વી.વી.ઓડેદરા તથા ભાયાવદર પો.સ્‍ટે.ના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર વી.સી. પરમાર તથા રાજકોટ ગ્રામ્‍યના એલ.સી.બી ના પો. સબ ઈન્‍સ.  આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા ભાયાવદર પોલીસ સ્‍ટાફ તેમજ ઉપલેટા પો.સ્‍ટે.ની અલગ અલગ ટીમો બનાવી બનાવના સ્‍થળ નજીકના બનાવ સમયના ઉપલેટા પો.સ્‍ટે. વિસ્‍તારના CCTV ફુટેજ તથા એકટીવા ચાલક જયેશ રાણીંગાનો ભૂતકાળ તેમજ ફોન કોલનો સમય વિગેરે ચેક કરતા ઉપરોક્‍ત બનાવ આ જયેશ રાણીંગાએ ઉપજાવી કાઢેલ હોવાનું પ્રથમ દ્રસ્‍ટ્રીએ જણાતા આ જયેશ રામજીભાઇ રાણીંગા ને યુકિત-પ્રયુકિતથી પુછતા મજકુર ભાંગી પડેલ.

પોલીસ પૂછતાછમાં જયેશે જણાવેલ કે,  તેની સાથે ઉપરોક્‍ત મુજબનો બનાવ બનેલ નથી પરંતુ પોતાને દેવુ થઇ ગયેલ હોય જેથી પોતે રાજકોટ સોની પાસેથી દાગીના લઇ પ્રથમ ઉપલેટા પોતાના ઘરે તમામ દાગીના સંતાડી દીધેલ અને ઘરેથી પોતાના થેલામાં ઘરેણાના ખાલી ડબ્‍બા ભરી પોતાના ભાઇનું એકટીવા લઇ ભાયાવદર જવા નિકળેલ અને ખાખીજાળીયા ગામ નજીક રોડ ઉપર એકટીવા ઉભુ રાખી થેલાની ચેઇન ખુલ્લી રાખી થેલો એકટીવા પર રાખી તેની બાજુમાં પોતે બેભાન થઇ પડી ગયા હોવાનો ડોળ કરેલો. જેથી રસ્‍તે જતા કોઇ માણસો ભેગા થઈ ગયેલા અને ૧૦૮ માં ફોન કરી તેમને દવાખાને લાવેલા અને તમામ ઘરેણા હાલ તેના ઉપલેટા ખાતે આવેલ ઘરે જ હોવાની હકીકત જણાવતા મજકુર રાજકોટ જે સોની પાસેથી ઘરેણા લાવેલ તે હીમાંશુભાઇ અરવીંદભાઇ પાલા પણ આવી ગયેલ હોય તેઓની હાજરીમાં મજકુર જયેશભાઈનુ ઘર ચેક કરતા તમામ ઘરેણા મળી આવેલ અને મજકુર ઈસમે પોલીસને ગુમરાહ કરવાના ઇરાદાથી અને સોનાના મૂળ માલીકને નુકશાન અને હેરાન કરવાના ઇરાદાથી પોલીસને ખોટી માહીતી આપેલ હોય તેના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ જયેશને ઉપલેટામા તેઓના ભાઈઓ સાથે સંયુક્‍ત મીલકત આવેલ હોય અને અવાર નવાર કહેવા છતા તેઓની મીલકતનો ભાગ પાડેલ નહી અને તેને દેવુ થઇ ગયેલ હોય જેથી મજકુર આરોપીએ વેપારી પાસેથી સોનુ લઈને અલગ અલગ દુકાનમા આપવાનુ કહી સોનુ ચોરાય ગયેલની ફરીયાદ કર્યેથી સોનાના મૂળ માલીકને પૈસા આપવા ના પડે અને પોતાનુ દેવુ પણ ભરપાઇ થઇ જાય તે હેતુથી સદરહુ બનાવ ઉપજાવી કાઢેલ હતો.

ભાયાવદર પોલીસે જયેશ રામજીભાઈ રાણીંગા, ઉ.વ.૬૨ ધંધો સોની કામ, રહે.કુંજન વિહાર-૯ સોસાયટી, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુળ ઉપલેટાની ધરપકડ કરી હતી.

(12:14 PM IST)