News of Thursday, 16th October 2025
માનસિક બિમાર ૬૫ વર્ષના મંજુલાબેનને ગળાટુંપો દઇ પતાવીને પતિ જયેન્દ્ર ધકાણ પોલીસમાં હાજર
કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ નરસિંહ મહેતા ટાઉનશીપમાં છઠ્ઠા માળે ક્વાર્ટરમાં હત્યા : ૬૦ વર્ષના રિક્ષાચાલક સોની વૃધ્ધે સગર જ્ઞાતિના મંજુલાબેન સાથે લવમેરેજ કર્યા હતાં: આઠેક મહિનાથી પત્નિને બિમારી લાગુ પડતાં તે ગમે ત્યારે દેકારો મચાવી રડવા માંડી મારામારી કરી લેતાં: પત્નિની પીડા જોઇ ન શકતાં છુટકારો આપી દીધાનું પતિનું રટણઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારીએ હત્યાનો ભોગ બનનારના બહેનની ફરિયાદ નોંધી

કુવાડવા રોડ ડી માર્ટ પાછળ આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપ, છઠ્ઠા માળે જ્યાં હત્યા થઇ તે બ્લોક નં. ૬૦૪ અને હત્યાનો ભોગ બનેલા મંજુલાબેનનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૬: શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના બની છે. કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપમાં રહેતાં રિક્ષાચાલક વૃધ્ધે પોતાના પત્નિની ગળાટૂંપો દઇ હત્યા કરી નાંખ્યા બાદ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગુનો સ્વીકારી લીધો હતો.બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પીએસઓ પાસે એક વૃધ્ધ આવ્યા હતાં અને ‘સાહેબ મેં મારા પત્નિને મારી નાંખ્યા છે' તેમ કહેતાં પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. આઠ-નવ મહિનાથી માનસિક બિમારીનો ભોગ બનેલા પત્નિ સતત રાડો પાડી દેકારા કરી મારામારી કરતાં હોઇ તેમજ વૃધ્ધને ઘરમાં આવવા દેતાં ન હોઇ અને પડોશીઓને પણ ગાળો દેતાં હોઇ તેમની દવા સારવાર કરાવવા છતાં સારું થતું ન હોઇ કંટાળીને તેને પીડામાંથી કાયમી છુટકારો આપી દેવા તેની હત્યા કરી નાંખ્યાનું વૃધ્ધે રટણ કર્યુ હતું.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ સ્વામિનારાયણ મંદિર નજીક આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપ ડી-વીંગમાં છઠ્ઠા માળે બ્લોક નં. ૬૦૪માં રહેતાં રિક્ષાચાલક જયેન્દ્રભાઇ બચુભાઇ ધકાણ (ઉ.વ.૬૦) નામના સોની વૃધ્ધ સવારે બી-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને ફરજ પર હાજર પીએસઓને જણાવ્યું હતું કે મેં મારા પત્નિ મંજુલાબેનને ગળાટુંપો આપી હત્યા કરી નાંખી છે! આ સાંભળી પીએસઓ ચોંકી ગયા હતાં. તુરત જ તેણે આ વૃધ્ધને ત્યાં બેસાડી દીધા હતાં અને જાણ કરતાં પીઆઇ એસ. એસ. રાણે, રાઇટર એએસઆઇ હીરાભાઇ રબારી અને ઇન્વેસ્ટીગેશન સ્ટાફને બોલાવી લીધો હતો.
પોલીસે પુછતાછ કરતાં વૃધ્ધ જયેન્દ્રભાઇ ધકાણે સમગ્ર હત્યાની વિગતો જણાવી હતી. તેણે કહ્યું હતું કે મારે બીજા ત્રણ ભાઇઓ છે, કુલ ચાર ભાઇમાં હું ત્રીજા નંબરે છે. આજથી ચોવીસ વર્ષ પહેલા મેં મંજુલાબેન સગર સાથે મૈત્રીકરાર કર્યા હતાં. તેના અગાઉના પતિનું મૃત્યુ થયું હતું. ચોવીસ વર્ષથી હું અને મંજુલા પતિ-પત્નિ તરીકે રહેતાં હતાં. હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવું છું. અમારે કોઇ સંતાન નથી. અત્યાર સુધી બધુ બરાબર ચાલતું હતું. પરંતુ છેલ્લા આઠ નવ મહિનાથી મંજુલાને માનસિક તકલીફ લાગુ પડી હોય તેવુ લાગતાં મેં અલગ અલગ ડોક્ટરો પાસે સારવાર દવા ચાલુ કરાવ્યા હતાં. પરંતુ તેણીને કોઇ ફરક પડતો નહોતો.
પત્નિ મંજુલાને માનસિક તકલીફ લાગુ પડતાં તે ગમે ત્યારે ઘરમાં મોટે મોટેથી દેકારા કરતી અને ગમે ત્યારે મારા પર હુમલો કરી મારકુટ કરી લેતી, દેકારો મચાવી ગાળો બોલી ક્યારેક પડોશી સાથે પણ માથાકુટ કરી લેતી હતી. ઘણીવાર તો એવુ બનતું કે તે મને ઘરમાં પણ આવવા ન દેતી, જેથી હું ટાઉનશીપમાં આવેલા મંદિરે સુઇ રહેતો હતો. મેં તેની ખુબ દવા સારવાર કરાવ્યા હતાં પરંતુ તેને ફરક પડતો નહોતો. અમુક ડોક્ટર તો એમ કહેતાં કે આમને કોઇ તકલીફ નથી. પરંતુ તેણીને માનસિક તકલીફ હોઇ તેવુ લાગતું હતું. રાતે તે ગમે ત્યારે દેકારો કરી મોટે મોટેથી રડવાનું ચાલી કરી દે પછી તેને શાંત પાડવાનું અઘરૂ થઇ પડતું હતું. આ કારણે પડોશીઓને પણ ખલેલ પડતી હતી. તેણી ગમે ત્યારે ઘરમાંથી નીકળી પણ જતી હતી.
હું જો સતત તેણીનું ધ્યાન રાખવા ઘરે રહું તો રિક્ષાના ફેરા ન થાય અને ઘરનું ગુજરાન ન ચાલે. પત્નિની આ તકલીફથી હું સતત કંટાળી ગયો હતો, તેની પીડા જોઇ શકતો નહોતો. આથી તેને પીડામાંથી મુક્ત કરવાનો વિચાર આવ્યો હતો. દરમિયાન રાત્રે ફરીથી પત્નિએ જોર જોરથી દેકારો મચાવવાનું અને રડવાનું ચાલુ કરી દીધુ હતું. આથી મેં તેણીને શાંત પાડવા ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે શાંત ન પડતાં અંતે તેને છુટકારો આપી દેવાનું નક્કી કરી ગળાટૂંપો દઇ હત્યા કરી નાંખી હતી. એ પછી હું રૂમમાં જ બેસી રહ્યો હતો અને સવાર પડયે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જવાનું નક્કી કરી પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.
વૃધ્ધ જયેન્દ્રભાઇ ધકાણની પત્નિને પતાવી દીધાની ઉપરોક્ત કેફીયતની પોલીસે ખરાઇ કરી હતી. ફલેટમાંથી મંજુલાબેનનો મૃતદેહ મળી આવતાં જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી. આ બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનનાર મંજુલાબેનના બહેન શારદાબેન મોહનભાઇ ભેંસાણીયા (રહે. મોરબી રોડ રાજનગર સોસાયટી)ની ફરિયાદ પરથી રમેશભાઇ ધકાણ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. હત્યાનો ભોગ બનનાર મંજુલાબેનના માતા-પિતા હયાત નથી. તેણી સગર જ્ઞાતિના હતાં. તેમને બે ભાઇ અને ત્રણ બહેન છે. તેમાં તે મોટા હતાં. જો કે મંજુલાબેનને કોઇપણ ભાઇ-બહેન સાથે કોઇ વ્યવહાર નહોતો. તેમની હત્યા થતાં પોલીસે તેમના બહેન સહિતને બોલાવી ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધી હતી. આરોપી વૃધ્ધે રટણ કર્યુ હતું કે-મેં મારા પત્નિને પીડામાંથી છુટકારો અપાવ્યો છે! (૧૪.૯)
જયેન્દ્ર ધકાણે કહ્યું-પહેલા તો મેં કેસરી પૂલ પરથી કૂદી મરી જવાનું નક્કી કર્યુ, પણ પછી બિમાર પત્નિનું કોણ? એમ વિચારે તેણીને જ મારી નાંખી!
ઞ્જમાનસિક બિમાર પત્નિ મંજુલાબેનને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેનારા રિક્ષાચાલક વૃધ્ધ જયેન્દ્રભાઇ ધકાણે એવું રટણ કર્યુ હતું કે આઠ નવ મહિનાથી મંજુલા પીડાતી હતી, માનસિક બિમારીની ઘણી દવા સારવાર છતાં સારુ થતું ન હોઇ હું ખુબ કંટાળી ગયો હતો. ગઇકાલે સાજે ઘરો હતો ત્યારે મેં મનોમન નક્કી કર્યુ હતું કે હું કેસરી પૂલે જઇ ત્યાંથી કૂદીને આપઘાત કરી લઉં. પણ પછી તરત જ એવો વિચાર આવ્યો કે મારા મર્યા પછી બિમાર પત્નિનું શું થશે? આથી મેં આપઘાતનું માંડી વાળ્યું હતું અને પત્નિને જ પીડામાંથી છુટકારો આપી દેવાનું નક્કી કર્યુ હતું!
(3:28 PM IST)










