તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 16th October 2025
ગુજરાતનું શ્રેષ્ઠ સાહિત્ય નગરઃ કાવ્ય કડી પુસ્તકનું વિમોચન, સર્જકોનું સન્માન

રાજકોટઃ કડીઃ ગાયકવાડી નગર કડી હવે સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું શ્રેષ્ઠ સાહિત્ય નગર તરીકે વિશિષ્ટ ઓળખ ધરાવે છે, તેમ વરિષ્ઠ સાહિત્યકાર ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટે ગૌરવભેર જણાવ્યું હતું.
શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ દ્વારા તૈયાર કરાયેલા કાવ્યસંગ્રહ કાવ્ય કડીૅ પુસ્તકનો વિમોચન સમારોહ તાજેતરમાં કડી ખાતે સર્વવિદ્યાલયના ચેરમેન વી.એમ. પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને વરિષ્ઠ પત્રકાર-લેખક પરિક્ષિત જોષી, ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ, ડો. નીતિન વોરા, ડો. મયંક પટેલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્યિક સન્માનઃ સમારોહમાં ગુજરાત સાહિત્ય અકાદમીના ગિજુભાઈ બધેકા એવોર્ડ વિજેતા રમેશ ત્રિવેદી, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના બાલસાહિત્ય એવોર્ડ વિજેતા નટવર પટેલ અને શયદા એવોર્ડથી સન્માનિત લોકપ્રિય ગઝલકારનું વિશેષ સન્માન કરાયું હતું.
કાવ્ય કડી પુસ્તકના મુખ્ય સંપાદક ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટને તેમની સાહિત્ય સેવાઓ બદલ શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
પીએચડી અને એવોર્ડ વિજેતા સર્જકોનું સન્માનઃ શિક્ષણ વિભાગનો એવોર્ડ મેળવનાર ડો. ધર્મેન્દ્ર પટેલ, બાલસાહિત્યકાર-અનુવાદક જિતુભાઈ સી. નાયક, સંસ્કૃતના તજજ્ઞ શૈલેષભાઈ ઓઝા, જનકભાઈ પટેલ, ખોડભાઈ પટેલ તેમજ સાહિત્યમાં પીએચડી થયેલા ડો. ગણપત સોઢા, ડો. ફાલ્ગુની ગજ્જર, ડો. હર્ષદ સોલંકી, ડો. જયેશ પટેલ અને બાલવાર્તાકાર જૈનેશ પટેલ સહિતના નવોદિત સર્જકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ પત્રકાર પરિક્ષિત જોષીએ કવિતા રચનાનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે મુખ્ય સંપાદક ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટે કાવ્ય કડી પુસ્તકનો પરિચય કરાવતા જણાવ્યું હતું કે આ કાવ્યસંગ્રહમાં સીતારામ શર્મા, ચિનુ મોદી, રમેશ ત્રિવેદી, નટવર પટેલ, રામુ ડરણકર, પન્ના નાયક સહિતના કવિઓ અને નવોદિતોની કુલ ૧૩૯ રચનાઓનો સમાવેશ કરાયો છે. તેમણે સાહિત્ય વર્તુળને વિકસાવવામાં યોગદાન આપનાર સ્વ. માણેકલાલ પટેલની સેવાઓને પણ બિરદાવી હતી.
સમારોહમાં સાહિત્ય વર્તુળના કન્વીનર શૈલેષભાઈ પટેલ, નટવરલાલ ભટ્ટ, ફુલજીભાઈ પટેલ, જયંતિભાઈ ગજ્જર સહિત સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(4:07 PM IST)










