News of Friday, 17th October 2025
નાણાવટી ચોકમાં ‘હિટ એન્ડ રન': ઉપલેટા તાલુકાના તલાટીમંત્રી ડી. એમ. ગઢવીને ઇજા
અજાણી કારનો ચાલક બૂલેટને ઠોકરે લઇ ભાગી ગયોઃ હેડકોન્સ્ટેબલ ભાઇ સામતભાઇ ગઢવીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૭: શહેરના નાણાવટી ચોકમાં હિટ એન્ડ રનની ઘટનામાં કારનો ચાલક બૂલેટને ઠોકરે લઇ ભાગી જતાં બૂલેટ ચાલક રેલનગરમાં રહેતાં ઉપલેટા તાલુકાના તલાટીમંત્રી એવા નિવૃત આર્મીમેન દેવાંધભાઇ મુળજીભાઇ ગઢવી (ઉ.વ.૪૯)ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ઇજાગ્રસ્તના નાના ભાઇ સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગર વૃંદાવન પાર્ક-૩માં રહેતાં અને એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં સામતભાઇ મુળજીભાઇ ગઢવી (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સામતભાઇ ગઢવીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને શહેર પોલીસમાં ફરજ બજાવું છું. મારા મોટા ભાઇ દેવાંધભાઇ મુળજીભાઇ ગઢવી (ઉ.વ.૪૯) એક્સ આર્મીમેન છે અને હાલ ઉપલેટામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે, તેઓ પણ રેલનગરમાં રહે છે. તા. ૧૬/૧૦ના સાંજે સાડા આઠેક વાગ્યા આસપાસ મારા ભત્રીજા કિશનનો ફોન આવ્યો હતો કે મારા પપ્પા દેવાંધભાઇ સાંજે સાડા આઠેક વાગ્યે ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી બૂલેટ હંકારી ઘરે આવતાં હતાં ત્યારે નાણાવટી ચોક પાસે અજાણ્યો કારનો ચાલક બૂલેટની ઠોકરે લઇ ભાગી જતાં તેમને ઇજા થઇ છે અને સરકારી હોસ્પિટલે લાવ્યા છીએ.
બનાવની જાણ થતાં હું તુરત હોસ્પિટલે પહોંચ્યા હતો. જ્યાં મારા ભાઇને માથાના ભાગે ઇજા થયાની ખબર પડી હતી. તેમને વધુ ાસરવાર માટે એચસીજી હોસ્પિટલમાં ખસેડયા હતાં. બંને પગ, વાંસા, મોઢાના ભાગે પણ તેમને ઇજા થઇ હતી. તેમ વધુમાં સામતભાઇએ કહેતાં ગાંધીગ્રામના હેડકોન્સ. મિહીરસિંહ બારડે ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
(2:50 PM IST)










