તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
કાલે થશે ધુમ ધડાકા : માધવરાવ સિંધીયા સ્ટેડીયમ ખાતે મનપા દ્વારા આતશબાજી
વિવિધ પ્રકારના ફટાકડાઓથી આકાશમાં અનોખી રંગોળી સર્જાશે : શહેરીજનોને ઉમટી પડવા મેયર સહિતના પદાધિકારીઓની અપીલઃ નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ, તા., ૧૭: મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત આવતીકાલે તા.૧૮ ને શનિવારના રોજ ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. આતશબાજી કાર્યક્રમનું ઉદઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવશે.
મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.૧૬ થી તા.૨૦ દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર શો, મ્યુઝિકલ બેન્ડ સહિતના વિશેષ આકર્ષણોનો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ આવતીકાલે તા.૧૮ ને શનિવાર ધનતેરસના શુભ દિવસે સાંજે ૭.૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
આ આતશબાજી કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોની એન્ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલ જીમ તરફ જવાના રસ્તાથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની રહેશે. જ્યારે કોર્પોરેટરો તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની એન્ટ્રી બહુમાળી ભવન સામેથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્તાથી એન્ટ્રી લેવાની રહેશે.
જાહેર જનતાને બહુમાળી ભવન સામેના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂરીયાત નથી.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા શહેરીજનોને આતશબાજી કાર્યક્રમ નિહાળવા અને ઉમટી પડવા નિમંત્રણ પાઠવ્યું છે.
કયા કયા ફટાકડાની વેરાયટી જોવા મળશે ?
મનપા દ્વારા આવતીકાલે સાંજે યોજાનાર આતશબાજીમાં કોમેટ, માઇન્સ, એરીયલ શોટ, ર૪૦ મલ્ટીકલર શોટ, ૧ર૦ મલ્ટીકલર શોટ, ૧૦૦ ક્રેકલીંગ શોટ, મ્યુઝીકલ શોટ, સાયરન શોટ, નાયગ્રા ફોલ્સ, હેપ્પી દીવાલી બોર્ડ, પી.કોક, ખજુરી, સુર્યમુખી, પામ ટ્રી, ગોલ્ડન સ્ટાર, ઇલેકટ્રીક ખજુરી, અશોક ચક્ર તથા બીગ સ્પાર્કલની મજા નગરજનો માણી શકશે
(3:28 PM IST)










