<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ભારવિ બેઠક ૪૪'માં કલાનાં નવાં પરિમાણો પ્રગટ્‍યાઃ શિષ્ટ સાહિત્‍યની રૂઢિગત સીમાઓ તોડી ફોટોગ્રાફી અને વિશિષ્ટ પ્રકાશન-કૃષિ વિચાર મંચના વિષયો પહેલીવાર રજૂ થયા

આઇ.ડી. કાકા ઈશ્વરલાલ વ્‍યાસે નોન-સબ્‍જેક્‍ટને કલા બનાવવાની વાત કરીઃ બર્ડ ફોટોગ્રાફર અશોક મશરૂએ પક્ષીજગતની અજાણી વાતો અને અવાજો રજૂ કર્યાઃ પ્રકાશક, કૃષિકાર અને ટેક્રોલોજી નિષ્‍ણાત દિનેશ ટિલવાના અદ્ભુત જીવન-અનુભવોથી શ્રોતાઓ અભિભૂતઃ કૌશિક સિધવનું ગીતગાન અને કવિ સંજુ વાળાના હસ્‍તે બુકે નહીં પણ બુક અભિવાદન

રાજકોટ : રાજકોટ સ્‍થિત ભાષા રચના વિચાર મંચ (ભારવિ)ની ૪૪મી બેઠક, ગત રવિવારે યોજાઈ, જેમાં સાહિત્‍ય કે કલાનાં રૂઢિગત પરિમાણોથી અલગ, પણ ભાર વિના કેન્‍દ્રીય વિચારને અનુરૂપ એવા ત્રણ વિષયનાં વક્‍તવ્‍યો પ્રથમવાર રજૂ થયાં હતાં. ભારવિ માત્ર શિષ્ટ સાહિત્‍ય જ નહીં, પણ ભાષા જેનું વાહન છે એવી તમામ કલાઓને મહત્ત્વ આપવાના સિદ્ધાંત સાથે આગળ વધ્‍યું છે.

બેઠકમાં બે ખ્‍યાતનામ ફોટોગ્રાફરો અને એક વિશિષ્ટ પ્રકાશક, વિચારક તથા કૃષિ અને કમ્‍પ્‍યુટરના નિષ્‍ણાત વ્‍યક્‍તિ વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રારંભમાં, ત્રણેય વક્‍તાઓનો ટૂંકો પરિચય સંજય ઉપાધ્‍યાયે આપ્‍યો હતો. ભારવિના વરિષ્ઠ સભ્‍ય અને તાજેતરમાં ફૂલછાબ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત કરનાર કૌશિકભાઈ સિધવ દ્વારા બે મધુર ગુજરાતી ગીતોનાં ગાન બાદ વક્‍તવ્‍યોની પ્રસ્‍તુતિ શરૂ થઈ હતી.

ફોટોગ્રાફીઃ ટેક્રિક નહીં, શુદ્ધ કલા પ્રથમ વક્‍તા તરીકે મિત્રોમાં આઈ.ડી. અને યુવાનોમાં આઈ.ડી. કાકા તરીકે જાણીતા, તથા ગુજરાત સરકારના ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત ફોટોગ્રાફર ઈશ્વરલાલ ડી. વ્‍યાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે સ્‍ક્રીન પર પોતાની પુરસ્‍કૃત કૃતિઓ સહિત અનેક વિશિષ્ટ છબીઓ રજૂ કરી હતી. તેમણે સમજાવ્‍યું કે ફોટોગ્રાફી ભલે ટેક્રિકલ કલા છે, પરંતુ ‘નોન સબ્‍જેક્‍ટ'ને ‘સબ્‍જેક્‍ટ' બનાવવાની એ શુદ્ધ કલા કેમ બને છે. પરિભ્રમણપ્રેમી એવા ૭૦ ની ઉંમરના શ્રી વ્‍યાસે ચિત્રકલા સાથે ફોટોગ્રાફીનું સામ્‍ય અને તફાવત ઉદાહરણો સહિત સ્‍પષ્ટ કર્યો હતો.

પક્ષીજગતની અજાણી વાતોઃ વડોદરા સ્‍થિત જાણીતા સર્જક મીનાક્ષીબેન ચંદારાણાએ ટૂંકું વક્‍તવ્‍ય આપી ભારવિમાં પ્રસ્‍તુત થતા વિષયોનાં વૈવિધ્‍ય અંગે આનંદ વ્‍યક્‍ત કરીને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

ત્‍યારબાદ, બીજા વક્‍તા તરીકે નેચર અને બર્ડ ફોટોગ્રાફી માટે દેશમાં જાણીતું નામ અને રાજકોટનું ગૌરવ એવા અશોક મશરૂ આવ્‍યા હતા. વ્‍યવસાયે નિવૃત્ત સિવિલ ઈજનેર શ્રી મશરૂ વર્ષોથી ફોટોગ્રાફીના શોખને કારણે અભ્‍યાસુ પક્ષીવિદ તરીકે પણ નામના ધરાવે છે. અત્‍યંત ધીરજ અને કૌશલ્‍યથી તેમણે લીધેલા દેશવિદેશના વિવિધ પક્ષીઓના યુનિક ફોટો/વીડિયોનો સંગ્રહ રજૂ કર્યો હતો. ઓડિયો-વિડીયો સ્‍ક્રીન પ્રેઝન્‍ટેશનમાં તેમણે પક્ષીઓની છબીઓ સાથે તેમના અવાજોનું રેકોર્ડિગ પણ સંભળાવ્‍યું. શ્રોતાઓએ આ વિશિષ્ટ રજૂઆતને ભરપૂર માણી હતી અને સમયના અભાવે આ પ્રેઝન્‍ટેશનનો બીજો એપિસોડ કરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

વાંચ્‍યા વિના પ્રકાશક બનેલો કૃષિકાર-વિચારકઃ બેઠકના અંતિમ વક્‍તા તરીકે ભારવિમાં પ્રથમવાર આવેલા પ્રકાશક, કૃષિકાર, વિચારક અને કમ્‍પ્‍યુટર નિષ્‍ણાત દિનેશ ટિલવા ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જણાવ્‍યું કે તેમણે કશું ન વાંચતાં કે ઉચ્‍ચ શિક્ષણ લીધા વિના માત્ર સ્‍વપુરુષાર્થ અને અનુભવથી જ્ઞાન સંચિત કર્યું છે. વૈજ્ઞાનિક કૃષિ વિશે આગવા વિચારો ધરાવવા સાથે તેઓ વિશ્વભરમાંથી અલભ્‍ય પુસ્‍તકો મેળવી રીપ્રિન્‍ટ કરનારા અનોખા પ્રકાશક છે, તેમજ જાતે શીખીને કોમ્‍પ્‍યુટર ટેક્રોલોજીના નિષ્‍ણાત બનેલા એકલવ્‍ય પણ છે. તેમની જીવનની અને વ્‍યાવસાયિક અનુભવોની રસપ્રદ વાતોએ શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. ભવિષ્‍યમાં દિનેશભાઈ સાથે આખી બેઠક કરવાના અનુરોધ સાથે બેઠકનું સમાપન કરાયું હતું. ‘‘પીપળાના પાને'' શીર્ષકથી ઝુંબેશ ચલાવતા દિનેશભાઈએ ઉપસ્‍થિત તમામ લોકોને ધાતુની બનેલી પીપળાના પાનની સુંદર પ્રતિકૃતિ ભેટ આપી હતી. ત્રણેય વક્‍તાઓ અને ગીત પ્રસ્‍તુત કરનાર શ્રી કૌશિકભાઈ સિધવનું અભિવાદન શ્રી દિનેશ ટિલવાના શુભેચ્‍છક મિત્ર શ્રી સંજય કાપડિયા દ્વારા ‘‘બુકે નહીં પણ બુક'' અભિયાન અંતર્ગત મોકલેલા પુસ્‍તકો દ્વારા કવિ શ્રી સંજુ વાળાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. શ્રી સંજય કાપડિયાનો પુસ્‍તકોના સેટ બદલ આભાર વ્‍યક્‍ત કરીને બેઠકનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્‍યું હતું. (ભાષા રચના વિચાર મંચ - અહેવાલ)

(1:22 PM IST)