News of Saturday, 18th October 2025
શ્રી ખોડલધામ મંદિર ઝગમગી ઉઠયુ : દિવાળીના પર્વે અનેરી રોશની
તહેવારમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે : પાર્કીંગ સહીતની સુવિધા માટે સ્ટાફ તૈનાત : દિવાળી અને નૂતન વર્ષની સૌને શુભકામના પાઠવતા નરેશભાઈ પટેલ

રાજકોટ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર (કાગવડ) ખાતે દિવાળીના પર્વને લઈને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં મંદિર, મુખ્ય પ્રવેશદ્વાર સહિતની જગ્યાએ રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. જેના કારણે મંદિરનો આહલાદક નજારો રાત્રિના સમયે જોવા મળી રહ્યો છે. દિવાળી અને નૂતન વર્ષના પર્વની સૌને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ૫૦૦થી વધુ સ્વયંસેવકો અને ટ્રસ્ટનો સ્ટાફ સેવા બજાવશે. દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ ૫૦૦ થી વધુ સ્વયંસેવકો અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો સ્ટાફ સેવા બજાવશે. વિશાળ ૪ જેટલા ર્પાકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને ર્પાકિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, ર્પાકિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે. દિવાળી પર્વમાં આકર્ષક રંગોળી બનાવવામાં આવશે તહેવારોને ધ્યાને લઇ દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશદ્વાર સવારે ૫.૩૦ કલાકે ખોલવામાં આવે છે. સવારે ૬ વાગ્યાથી દર્શન ખુલશે. ત્યારબાદ સવારે ૭ કલાકે આરતી થશે. ત્યારબાદ બપોરે અને સાંજે થાળ ધરવામાં આવે છે. સાંજે ૭ કલાકે માતાજીની આરતી કરવામાં આવશે. માતાજીના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહેશે. રાત્રે ૯ કલાકે માતાજીના દર્શન બંધ થશે અને મંદિર કેમ્પસ ૯.૩૦ કલાકે બંધ કરવામાં આવશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે દિવાળી અને નૂતન વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી છે અને દર્શનાર્થીઓ મા ખોડલના દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે તેવી અપીલ કરી છે.
(2:36 PM IST)










