News of Saturday, 18th October 2025
ફરીયાદ સંકલનઃ જમીન રી-સર્વે- એઇમ્સ- સિવિલ હોસ્પીટલ- વોટસન મ્યુઝીયમ તથા હાઇવે પર ખાડા અંગેના પ્રશ્નો ઉખળ્યાઃ અનેક રજૂઆતો
સાંસદ રામભાઇ મોકરીયાઃ ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ- રમેશભાઇ ટીલાળા દ્વારા વિગતો અપાઇ : તમામ સરકારી કચેરીઓના કામોની સમીક્ષાઃ દિવાળી સંદર્ભે આરોગ્ય- ફાયરબ્રિગેડ કચેરીને એલર્ટ રહેવા સૂચના

રાજકોટ, તા. ૧૮: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.
બેઠકમાં સાંસદ રામભાઈ મોકરીયાએ ખેતીની જમીન રી-સર્વે અંગે વાંધા અરજી, એઇમ્સ હોસ્પિટલમાં સાધનોનો ઉપયોગ, સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક, મૌવૈયા ચોક પાસે બસ સ્ટોપ આપવા સહિતના પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બામણબોર ટોલનાકા પાસે રસ્તાનું મરામત, ન્યૂ રિંગ રોડ પર જામનગર રોડથી કોરાટ ચોક સુધી રસ્તાનું કામ સમયમર્યાદામાં કરવું સહિત બાબતોની રજૂઆત કરી હતી, જે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે વોટ્સન મ્યુઝિયમ રી-ડેવલપમેન્ટ, માધાપર ચોક પાસે અને ભાવનગર હાઈવે પર વરસાદી ખાડા વિષયક જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત, કલેક્ટરે રાજકોટ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કામગીરી પત્રકોની સમીક્ષા કરી હતી. જેમાં કચેરીઓના આવક-જાવકના કાગળો, નાગરિકોની અરજીઓ, પડતર કેસો, મહેકમ, ગ્રાન્ટ, સરકારી લેણાંની વસૂલાત, ખાતાકીય તપાસ સહિત બાબતોને આવરી લેવાઈ હતી. આ તકે કલેક્ટરે રાજકોટ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનની મોનિટરિંગ કમિટીની શિક્ષણ, આરોગ્ય અને રમતગમતની કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ શૌચાલય, પેવર બ્લોક સહિત કામગીરીઓ તથા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ વિશે ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને કલેક્ટરે દિવાળીના તહેવારને લઈને આરોગ્ય શાખા, ફાયરબ્રિગેડ સહિત કચેરીઓના અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ડી.સી.પી. રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, પ્રાંત અધિકારીઓ વિમલકીર્તિ ચક્રવતી, એન. એમ. તરખાળા, અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, અનુસૂચિત જાતિ નાયબ નિયામક આનંદબા ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ. કે. વસ્તાણી, જિલ્લા આયોજન અધિકારી નીતિનભાઈ ટોપરાણી, એસ.ટી. નાયબ નિયામક જે. કે. કલોતરા, દિલીપસિંહ વાળા, સિદ્ધાર્થ ગઢવી, ઇશિતા મેર, યોગરાજસિંહ ઝાલા સહિત મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(3:52 PM IST)










