News of Saturday, 18th October 2025
રવિરત્ન પાર્ક પાસેથી ૩રપ કિલો બદામનો અખાદ્ય જથ્થોઃ ઝડપાયોઃ નાશ
શહેરના યુનિ. રોડ સ્થિત ડ્રાયફ્રુટ પ્રોસેસીંગ યુનિટમાં ફુડ શાખાના દરોડા

રાજકોટ તા. ૧૮ :.. દિવાળી તથા નુતન વર્ષ ના તહેવારો નિમિત્તે ડ્રાયફ્રુટ તથા તેમાંથી બનતી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં વેચાણ તથા ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રાયફ્રુટ અંગેના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવેલ.
જે પૈકી રવિરત્ન પાર્ક ચોક પાસે, રવિરત્ન સોસાયટી શેરી નં.૨ કોર્નર, બ્લોક નં, આઇ-૨૭૦, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે આવેલ ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી પેઢી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીની તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ દરમિયાન સ્થળ પર મશીન પર બદામ(ડ્રાયફ્રુટ)નું કટિંગ પ્રોસેસિંગ કરતાં જોવા મળેલ જે બદામ(ડ્રાયફ્રુટ) નો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સડેલો(કાણાવાળા), ડેમજ થયેલો તેમજ ખોરા થયેલો માલૂમ પડેલ તેમજ સ્થળ પર સંગ્રહ કરેલ બોરીઓમાં રહેલ કુલ આશરે ૩૨૫ કિ.ગ્રા. બદામ(ડ્રાયફ્રુટ) (અંદાજીત કિમત રૂ. ૨ લાખ)નો જથ્થો તપાસતા સડેલો, ખોરો તથા માનવ આહાર માટે અયોગ્ય હોવાનું હાજર ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલ. સદરહુ બિન આરોગ્યપ્રદ, અખાદ્ય બદામ(ડ્રાયફ્રુટ) નો જથ્થો માનવ આહાર માટે ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર SWM વિભાગના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તથા યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા ઉત્પાદક તરીકે લાયસન્સ લેવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
(2:49 PM IST)










