<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સાયબર ફ્રોડમાં રૂપિયા ૯૨૦૦ ગુમાવતાં પીડબલ્‍યુડી કચેરીમાં યુવાને દવા પીધી

ટેલિગ્રામ લિંક મારફત શેરબજારમાં ૫૦૦૦નું રોકાણ કરતાં ૩૪૦૦૦ નફો બતાવ્‍યોઃ ઉપાડવા જતાં વધુ ૪૨૦૦ ભરવાનું કહ્યું: પણ પછી છેતરાઇ ગયાની ખબર પડી : આઇટીઆઇમાં અભ્‍યાસ સાથે એપ્રેન્‍ટીસ કરતો શિવમ્‌ સારવારમાં

રાજકોટ તા. ૧૮: સાયબર ફ્રોડની સતત બનતી ઘટનાઓ વચ્‍ચે રેલનગરમાં રહેતાં અને પીડબલ્‍યુડીની ઓફિસમાં એપ્રેન્‍ટીસ તરીકે કામ કરતાં યુવાન સાથે ૯૨૦૦ની ઠગાઇ થતાં તેને પોતાને ઘરે ખબર પડશે તો ઠપકો મળશે તેમ લાગતાં ઓફિસમાં ઉંદર મારવાની દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયો છે.

રેલનગર શ્રીજી રેસીડેન્‍સીમાં રહેતો શિવમ વિપુલભાઇ મકવાણા (ઉ.વ.૨૨) ધરમ સિનેમા પાછળ પીડબલ્‍યુ ડીની ઓફિસે હતો ત્‍યારે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. શિવમ્‌ બે ભાઇમાં નાનો છે અને પિતા દરજી કામ કરે છે. તે આઇટીઆઇમાં અભ્‍યાસ કરે છે અને સાથે પીડબલ્‍યુડીમાં એપ્રેન્‍ટીસ તરીકે પણ કામ કરે છે. તેને ટેલીગ્રામમાં શેર બજારમાં કમાણીના નામે લિંક આવતાં શરૂઆતમાં તેણે ૫૦૦૦નું રોકાણ કર્યુ હતું. આની સામે તેની એપમાં તેને ૩૪૦૦૦નો નફો બતાવાયો હતો.

પરંતુ શિવમ આ નફાની રકમ વીડ્રો કરવા જતાં તેને હજુ બીજા ૪૨૦૦ રૂપિયા ભરો પછી તમે તમામ રકમ ઉપાડી શકશો તેમ કહેવાતાં તેણે આ રકમ પણ ભરપાઇ કરી હતી. જો કે બાદમાં તેને ખબર પડી હતી કે તેની સાથે ઠગાઇ થઇ છે. ઘરે ખબર પડશે તો ઠપકો મળશે તેમ લાગતાં તેણે આ પગલુ ભર્યુ હતું. 

(2:54 PM IST)