<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રીંગરોડ-૨ના પાંચમાં ફેઇઝના ફોરલેન રોડનું કામ શરૂ

મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોરલોન રોડ અને એક બ્રિજ બનાવાશે : ટેન્‍ડર પ્રસિધ્‍ધ

રાજકોટ, તા.૧૮: શહેરના રૂડા વિસ્‍તારમાં આવેલા રીંગરોડ-૨નું જામનગર રોડથી-ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તથા ભાવનગર રોડથી અમદાવાદ રોડનું કામ હાલમાં ચાલુ છે. ૪ ફેઇઝનું કામ પૂર જોશમાં ચાલુ છે. ત્‍યારે ફેઇઝ-૫ના કામ માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડના કામ તેમજ રૂડા એરીયામા એક બ્રિજ સહિત રૂા.૧૪૭.૮૧કરોડના ખર્ચે રીંગરોડ પૂર્ણ કરવામાં આવશે.

શહેરમાં ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે રૂડા અને મનપા દ્વારા રીંગરોડ -૨ ફોરલેન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્‍યુ છે. જામનગર રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તેમજ ભાવનગરથી અમદાવાદ રોડ સુધીનુ ૪ ફેઇઝનું કામ હાલમાં પૂર્ણ થવામાં છે. તેમજ ત્રણ બ્રિજનું કામ પણ પૂર્ણ થઇ ગયુ છે. આથી રીંગરોડ પુરો કરવા માટે અમદાવાદથી મોરબી રોડને જોડતા ફેઇઝ-૫ના કામને આગળ ધપાવવા રૂડા દ્વારા ટેન્‍ડર પ્રક્રિયા હાથધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી રોડથી અમદાવાદ રોડ રૂડા એરીયામાં રૂા.૯૮.૪૩ કરોડના ખર્ચે ફોરલેન્‍ડ રોડ તથા વચ્‍ચે આવતા વિસ્‍તારમાં રૂા.૩૬.૮૯ કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવાનો અને ફેઇઝ-૩માં બાકી રહી ગયેલા ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોરલેનનું કામ ખર્ચે રૂા.૧૨.૪૯ કરોડ કરવામાં આવશે. ત્રણેય ટેન્‍ડર પ્રસિધ્‍ધ થતા ટૂંક સમયમાં બાકી રહેલ ફોરલેનનું કામ શરૂ કરવામાં આવશે.

રૂડા દ્વારા રીંગરોડ-૨ બનાવવા માટે ત્રણ વર્ષ પહેલા જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ જામનગર રોડથી ગોંડલને જોડતા સીંગલ પટ્ટીના રોડનુ કામ શરૂ કરવામાં આવેલ તેવી જ રીતે અટલ સરોવર વિસ્‍તારમાં જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના રોડ પર બીઆરટીએસ કોરીડોર તૈયાર કરવામાં આવ્‍યો છે અને બાકી રહેલા ફોરલેનનું કામ શરૂ કરવામાં આવ્‍યુ છે.

જામનગર રોડથી અમદાવાદ રોડ સુધીનુ કામ મોટેભાગે પૂર્ણ થઇ ગયુ છે. પરંતુ અમદાવાદ રોડથી મોરબી રોડ અને મોરબી રોડથી જામનગર રોડને જોડતા રીંગરોડ-૨નું કામ ૮૦% બાકી હોય રૂડા દ્વારા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યુ છે. જેના લીધે હવે ફેઇઝ-૫નું કામ ઝડપથી શરૂ થશે અને ત્રણ કેટેગરીમાં રૂા.૧૪૭.૮૧ કરોડના ખર્ચે બાકી રહેલા રીંગરોડ-૨ના ફોરલેન રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે.

(3:27 PM IST)