<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રાજકોટમાં ગરીબ કાર્ડ હોલ્‍ડરોને સડેલુ અનાજ અપાતુ હોવાની ફરીયાદો : ધારાસભ્‍ય ઉકળી ઉઠયાઃ અન્‍ય પ્રશ્નો અંગે તડાપીટ

અમુક મુદાઓ ગાંધીનગરથી લેવલના હોય અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા ! :સર્વર ડાઉન-અંગુઠાના નિશાન-ઓછો માલ-દુકાનોની તપાસણી અંગે યોગ્‍ય કરવાની કલેકટરની ખાત્રી

રાજકોટ, તા., ૧૮ :  રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્‍યક્ષતામાં રાજકોટ શહેર - જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્‍ટરશ્રીએ વિવિધ કામગીરીઓ વિષે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

 આ બેઠકમાં કલેક્‍ટરશ્રીએ રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્‍યોદય રાશન કાર્ડ અને અગ્રતા ધરાવતા કુટુંબોને આવશ્‍યક ચીજવસ્‍તુઓ ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ, વન નેશન, વન રાશન કાર્ડ યોજના અંતર્ગત થયેલી કામગીરી, તાલુકા પ્રમાણે વાજબી ભાવની દુકાનોની સંખ્‍યા અને તેની તપાસ, નેશનલ ફૂડ સિકયુરિટી એક્‍ટ હેઠળ ઇ-કે.વાય.સી.ની કામગીરી, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી, સીઝર વાજબી ભાવની દુકાનો સહિતની બાબતોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્‍ય દર્શિતાબેન શાહે સડેલા અનાજના મુદ્દે ફરી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે અને અન્‍ય મેમ્‍બરોએ કલેક્‍ટરને જણાવ્‍યું હતું કે, અગાઉ પણ અનેક વખત સડેલા અનાજ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હજી પણ ઘણી બધી સરકારી સસ્‍તા અનાજની દુકાનોમાં સડેલું અનાજ અને હલકી કક્ષાનો અનાજ મળી રહ્યો છે. અધિકારીઓ માત્ર તપાસનું નાટક જ કરે છે. તેમણે રજૂઆતની ગંભીરતા લઈ તાત્‍કાલિક સંસ્‍થાઓ, દુકાનો અને અન્‍ય વિતરણ કેન્‍દ્રોની ચકાસણી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી.

 તેમજ વારંવાર સર્વર ડાઉન થવાના મુદ્દે પણ બેઠકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આડેધડ કેન્‍સલ કે લોક કરાતા કાર્ડો, સર્વર ડાઉન માલ પુરતો ન મળવો, અંગુઠાના નિશાન પ્રશ્ને બે-બે ધક્કા, ૧૩પ માંથી માત્ર ૪ દુકાનોની તપાસણી મુદ્દે તડાપીટ બોલી હતી. જોકે, અધિકારીઓ દ્વારા આ અંગે હાથ ઊંચા કરી દેવામાં આવ્‍યા હતા અને સ્‍પષ્ટતા કરવામાં આવી હતી કે,  આ પ્રશ્ન ગાંધીનગર સ્‍તરેથી છે. આનું નિરાકરણ સ્‍થાનિક (લોકલ) લેવલથી કોઈપણ સંજોગોમાં આવી શકે નહીં.

આ ઉપરાંત, મધ્‍યાહન ભોજન યોજનાની જિલ્લા કક્ષાની સ્‍ટીયરીંગ કમ મોનીટરીંગ કમિટીની મીટિંગમાં કલેક્‍ટરશ્રીએ પી.એમ. પોષણ યોજનાના અસરકારક અમલીકરણ પર ભાર મૂકયો હતો. તેમજ આ યોજનાના કેન્‍દ્રો અને લાભાર્થી બાળકોની સંખ્‍યા, ખાદ્ય પદાર્થોનાં નમૂના, સ્‍કૂલ ન્‍યુટ્રીશન ગાર્ડન, કીચન કમ સ્‍ટોરની વ્‍યવસ્‍થા, બાળકોને ભોજન માટે શેડ બનાવવા અને રીપેરિંગ, અધિકારીઓને સોંપાયેલા તપાસણી લક્ષ્યાંક સામે માસવાર થયેલી કામગીરી, ગ્રાન્‍ટ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ કર્યો હતો. તેમજ શાકભાજી, મરી મસાલાનો દર, મુખ્‍યમંત્રી પૌષ્ટીક અલ્‍પાહાર યોજનાની વાનગીનું મેનુ, તિથિ ભોજન વિષયક માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તી સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. 

(3:34 PM IST)