<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

પહેલી જ વખત વોકીંગ કરવા નીકળેલા રમેશભાઇનું હૃદય ધબકારા ચુકી ગયું

રૈયા ૧૦૦ વારીયામાં રહેતાં પ્રોૈઢ રાત્રે આલાપ ગ્રીન પાસે ઢળી પડયાઃ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ મૃતદેહ જ પહોંચ્‍યોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૮: હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની ઘટનાઓમાં વધુ એક બનાવ ઉમેરાયો છે. રૈયા ગામમાં રહેતાં પ્રૌઢ રાતે જમીને વોકીંગ કરવા નીકળ્‍યા બાદ આલાપ ગ્રીન સીટી પાસે ઢળી પડતાં મૃત્‍યુ થયું હતું. પુત્રએ કહ્યું હતું કે આટલા વર્ષમાં પહેલી જ વખત મારા પિતા વોકીંગ કરવા જવા નીકળ્‍યા હતાં અને આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયા ગામ ૧૦૦ વારીયામાં રહેતાં રમેશભાઇ હીરાભાઇ પરમાર (ઉ.વ.૫૪) રાતે અગીયારેક વાગ્‍યે આલાપ ગ્રીન સીટી નજીક બેભાન થઇ ઢળી પડતાં કોઇ પરિચીત ત્‍યાંથી નીકળતાં તેમના પરિવારજનોને જાણ કરી હતી. રમેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

રમેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને કલરકામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમેને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પુત્રએ કહ્યું હતું કે મોટે ભાગે મારા પિતાજી સાંજે જમીને વહેલા સુઇ જતાં હતાં. પણ શુક્રવારે રાતે પહેલી જ વખત તેમણે હું થોડુ વોકીંગ કરીને આવું તેમ કહીને ઘરેથી નીકળ્‍યા બાદ આ બનાવ બન્‍યો હતો. તેમને હાર્ટએટેક આવી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. 

(3:39 PM IST)