<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

દિવાળી પૂર્વે ભંગારની આવક અને ટર્નઓવરમાં જબરો વધારો

ઘર-ઓફીસ-દુકાનો અને ફેકટરીઓમાંથી સફાઈ અભિયાનમાં કરોડોનો ભંગાર ઠલવાયો :પ્લાસ્ટિક-પસ્તી અને પુઠાની આવકમાં જંગી ઉછાળો

રાજકોટ:પ્રકાશપર્વ દિપાવલી પર્વના વધામણા કરવા જન-જનમાં ઉત્‍સાહ- ઉમંગ છવાયો છે. આંગણામાં ઉર્મિની અભિવ્‍યક્‍તિ સમાન રંગોળીના માધ્‍યમથી ઉમંગ ઘૂંટાય રહ્યા છે. નવલા વર્ષના આગમન પૂર્વે ઘર- ઓફીસો અને ફેક્‍ટરીમાં સફાઇ અભિયાન અનિવાર્ય બન્‍યું છે. નવા-નવા શણગાર સાથે પર્વને ઉજવવા થનગનાટ જોવા મળે છે. તેવામાં ગ્રહિણીઓએ પર્વના અંતિમ સપ્તાહમાં ઘરમાં તેમજ વ્‍યવસાયિકોએ ઓફીસો ફેકટરીમાં પણ જબરી સફાઇ આદરી હતી.

   દિવાળી પૂર્વે ઘર- ઓફીસો દુકાનો અને ફેકટરીઓમાં સફાઇને પગલે ભંગારની આવકમાં તોતીંગ વધારો થઇ રહ્યો છે. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા આ ધંધામાં હાલ પુર બહારમાં સિઝન ખીલી છે. ઘર ઓફીસ દુકાન અને ફેકટરીમાં ખૂણે- ખૂણે સાફ કરી કચરો કાઢવામાં આવે છે. જેમાં કરોડોનો ભંગાર બજારમાં ઠલવાઇ રહ્યો છે.

   આમ તો ભંગારના વેપારીઓને આસો મહિનાની પૂનમ બાદ સિઝન પુર બહારમાં ખીલતી હોય છે. પરંતુ દિવાળીનાં અંતિમ સપ્તાહમાં આવકમાં  જબરો વધારો થાય છે અને ભંગારમાં હાલ કરોડોનો માલ ઠલવાતો હોય છે

   પ્રકાશ પર્વ દિવાળીના દિવસો પૂર્વે ઘરની સાફ સફાઇની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પર્વને વધાવવા ઘરને સ્‍વચ્‍છ રાખવાની દાયકાઓ જુની પ્રણાલી છે. ગ્રહિણીઓ ઘરની તમામ ચીજવસ્‍તુઓ, કબાટ, કિચન તેમજ માણિયામાં રહેલ વધારાનો ભંગાર બહાર કાઢી ઘરની સફાઇ કરે છે. જેમાં કચરો અને નકામી ચીજ વસ્‍તુનો નિકાસ કરવામાં આવતા આ દિવસોમાં ભંગાર કે જુની વસ્‍તુનો વેપાર કરતા લોકોએ પુર બહારમાં સિઝન ખુલે છે અને કમાણીની તક પણ સાંપડે છે.

   બજારમાં હાલમાં સામાન્‍ય દિવસો કરતા અનેક ગણો વધારે ભંગાર ઠલવાતો હોય ભાવ દબાતા હોય છે નાના--મોટા શહેરોમાં ભંગારની આવક વધવા પામી છે. જેમાં હજારો લોકોને રોજગારી- વ્‍યવસાયની તક જોડાયેલી છે. હાલમાં ભંગાર પસ્‍તી- પૂંઠાના ભાવ ઘટતા ભાવ ભરાવાની પણ સમસ્‍યા ઉભી થાય છે. જો કે નિકાસ માટે પણ જબરૂ બજાર ઉપલબ્‍ધ છે. આ ભંગારની ચીજ વસ્‍તુનું પુનઃ વેચાણ બજાર પણ પૂર બહારમાં ખીલતી હોય છે. તેમજ ભંગારનો રિસાયકલીંગ ઉદ્યોગ પણ ધમધમે છે. જેમાં પણ કરોડોનું ટર્ન ઓવર થાય છે.

 

(11:17 PM IST)