<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

સાધુ વાસવાણી રોડ પર મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્‍ધાના ગળામાંથી બે લાખનો ચેઇન ખેંચાયો

ઉત્‍સવ પાર્કના વિજ્‍યાબેન કાસુન્‍દ્રાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ એકટીવા પર ભાગેલા શખ્‍સની શોધખોળ

રાજકોટ તા. ૨૦: તહેવારના દિવસોમાં ચિલઝડપની ઘટના બની છે. સાધુ વાસવાણી રોડ પર મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્‍ધાના ગળામાંથી એક શખ્‍સ રૂા. બે લાખનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ ઉત્‍સવ પાર્ક-૧, વાયબ્રન્‍ટ હોસ્‍પિટલવાળી શેરીમા બ્‍લોક નં. ૫૯ રાઘવ  નામના મકાનમાં રહેતાં વિજ્‍યાબેન જીવરાજભાઇ કાસુન્‍દ્રા (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સફેદ રંગના એક્‍ટીવાચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

વિજ્‍યાબેન કાસુન્‍દ્રાએ જણાવ્‍યું હતું કે હું ૧૯/૧૦ના સવારે પોણા સાતેક વાગ્‍યે મારા ઘર પાસે સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરીવાળા રોડેથી ચંદ્ર મોૈલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે એકલી ચાલીને જતી હતી. આ વખતે સામેથી સફેદ રંગના એક્‍ટીવા પર એક શખ્‍સ આવ્‍યો હતો. તેણે મારી પાસે આવી અચાનક ગળા પર ઝોંટ મારી સોનાનો ચેઇન ખેંચી લીધો હતો. હું ગભરાઇ જતાં ત્‍યાં જ બેસી ગઇ હતી. ચેઇન સાથેનું સોનાનું પેન્‍ડલ તુટીને મારા હાથમાં આવી ગયું હતું. સવારનું ટાણું હોઇ હું રાડો પાડવા માંડી હતી. આ વખતે એક્‍ટીવાચાલક ભાગી ગયો હતો.

સોનાના ચેઇનનો વજન ૨૦ ગ્રામનો હતો તેની કિમત આશરે રૂા. ૨ લાખ થાય છે. આ ચેઇન સાદો મશીન ઘાટતો હતો. ચિલઝડપ કરી ભાગેલો શખ્‍સ આશરે પચ્‍ચીસ વર્ષનો હતો. મેં ઘરે જઇ કોઇને જાણ કરી નહોતી. બાદમાં પતિ અને દિકરાને વાત કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. પીઆઇ એચ. એન. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(3:04 PM IST)