News of Tuesday, 21st October 2025
ફટાકડાઓથી આકાશ ગાજતુ રહ્યુ, રાજકોટ મોજ લુટતુ રહ્યુ
સૂક્ષ્મ બુદ્ધિ, વિશાળ દૃષ્ટિ, હૃદયની કોમળતા, સૌંદર્યવૃત્તિ તેનું નામ ભારતીય સંસ્કૃતિ : દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી : કોઇ રંગોળીમાં ઘેરાયા તો કોઇ પૂજાપાઠમાં: તહેવારોનો અદમ્ય ઉત્સાહ છવાયો : કાલે સ્નેહ વર્ષાવી નૂતનવર્ષ મનાવાશે

રાજકોટ તા. ૨૧ : વિક્રમ સંવત ૨૦૮૧ને વિદાય આપવાનો અવસર એટલે દિવાળી. ગઇકાલે રાજકોટે રંગોળી, ફટાકડાની ધૂમ અને કોઇએ પૂજા પાઠમાં સમય ફાળવી શુભ દિપાવલીની મંગલમય ઉજવણી કરી હતી.
આખી રાત આકાશ ફટાકડાઓના અવાજોથી ગાજતુ રહ્યુ હતુ. મોડી રાત્રી સુધી લોકોએ ફટાકડાનો આનંદ લુંટયો હતો. હવાઇ ચક્રી, રોકેટ, શંભુ, ફુલઝર, તડાફડી, આકાશી આતશબાજીઓથી માહોલ ઝળહળી ઉઠયો હતો. બીજી તરફ રોશનીના ઝળહળાટે પણ અજવાળા પાથરવામાં સાથ પુરાવ્યો હતો. એમાય રાજકોટ તો રંગીલુ શહેર. એને તો બસ તહેવારનું બહાનું જ જોઇતુ હોય છે. આખુ રાજકોટ તહેવારોના ઉત્સાહમાં ઓળઘોળ બની ગયેલ.
ગઇકાલે કોઇએ રંગોળી સજાવવામાં અને ટોડલે દિવડા પ્રગટાવવામાં સમય ફાળવી એ રીતે આનંદની પળોને વધાવી હતી. વેપારીઓએ ચુપડા પૂજન કરી વેપાર ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી.
ધર્મક્ષેત્રના લોકોએ લક્ષ્મીપૂજન, કાલી પૂજન, ઠાકોરજીની સેવા કરીને એ રીતે દિવાળીની ધર્મમય ઉજવણી કરી હતી. મંદિર, ગુરૂ આશ્રમો અને હવેલીમાં ભગવાનના વિશેષ પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. આવતીકાલે અન્નકુટ ઉત્સવની તૈયારીઓ પણ મંદિરોમાં આરંભવામાં આવી હતી.
વિદાય લેતા વિક્રમ સંવત ૨૦૮૧ને આવજો કહેવા અને આવતી કાલથી શરૂ થઇ રહેલ વિક્રમ સંવત ૫૦૮૨ના વધામણા કરવામાં રાજકોટ મોખરે રહ્યુ હતુ. ચારે બાજુ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ધોકાનો વિરામ લઇ લોકોએ રાહત અનુભવી હતી. તો આવતી કાલે નુતનવર્ષ મનાવાશે. લોકો એક બીજાને મળી રામ રામ, હેપી ન્યુ યર, સાલ મુબારકના રણકા કરીને સ્નેહ વર્ષાવશે. ઓળતા હોય કે ન ઓળખતા હોય પણ સામે મળે તેને નવા વર્ષની શુભેચ્છાની આપ લે કરીને નવી શરૂઆતની તક ગુમાવવા જેવી તો નથી જ હોતી. સૌને નૂતનવર્ષા અભિનંદન! (૧૬.૧)
(11:29 AM IST)










