તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 21st October 2025
પર્વનો પ્રકાશ પથરાયો : કાલે નવા વર્ષના વધામણા : ૨૭મીથી બજારો ધમધમશે
લાગણીઓ હૂંફાળી, ઉર્મિઓ રૂપાળી, ચાલ દઈ દે તું તાળી, આવી દિવાળી... ફુલ ભરેલી હર ડાળી, દરેક સ્નેહી છે માળી, સુગંધને ઉછાળી, આવી દિવાળી.... : મંદી અને મોંઘવારી ભૂલીને દિવાળી ઉજવતા પ્રજાજનો : ૨૬મીએ રવિવારે લાભ પાંચમે ‘શુકન' સચવાશે : સરકારી કચેરીઓ બીજા દિવસથી ખૂલશે

રાજકોટ, તા., ૨૧ : વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીએ દ્વારે ટકોરા મારી દીધા છે. ગઇકાલે અને આજે દિવાળીની ઉજવણી થઇ રહી છે. આવતીકાલે બુધવારે નૂતન વર્ષના વધામણા થશે. ગુરૂવારે ભાઇબીજ છે. તા.ર૬ ઓકટોબર રવિવારે લાભ પાંચમ આવે છે. સામાન્ય રીતે વેપાર-ધંધાની શરૂઆત લાભપાંચમથી થતી હોય છે પણ આ વખતે લાભ પાંચમના દિવસે રવિવાર હોવાથી વેપાર-ઉદ્યોગમાં તે દિવસે માત્ર શુકન સચવાય અને બીજા દિવસે સોમવારથી રાબેતા મુજબ શરૂઆત થાય તેવા સંજોગો છે. અમુક વેપારી સોમવારથી જ શુભારંભ કરે તેવું બની શકે. સરકારી (રાજય) કચેરીઓમાં સળંગ અઠવાડીયાની રજા છે તેથી રાજય સરકારની કચેરીઓ સોમવારથી જ ખુલશે. હાલ તહેવારમય માહોલ છે. પર્વનો પ્રકાશ પથરાઇ ગયો છે. બજારો નવા વર્ષમાં તા.ર૭ સોમવારથી જ ધમધમતી થશે.
દિવાળી એ બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે. અંધકાર અને દુષ્ટતાના નાશના સંકેત આપતા પ્રકાશ અને દિવડાઓ ઝળહળ્યા છે. બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે અને પ્રાર્થના કરે છે, પ્રેમ અને પવિત્રતાનું વાતાવરણ બનાવે છે. ભૂતકાળ પર ચિંતન કરવાનો અને આવનારા વર્ષમાં વધુ સારા સંકલ્પો લેવાનો આ દિવસ છે.
આ દિવસ ક્ષમા અને ભૂલી જવાનો સંકેત આપે છે. દિવાળી એ વ્યકિતના અંતરને પ્રકાશીત કરવાનો અને અંદરના તમામ અંધકારને દૂર કરવાનો દિવસ છે. આ તહેવાર ઘરોને દિપક અને રોશનીથી પ્રકાશિત કરવા, મીઠાઈઓ ખાવા, નવા કપડાં પહેરવા અને ફટાકડા ફોડવા માટે જાણીતો છે. તે હિંદુ સંસ્કળતિના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને સમગ્ર વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે.
ઘણા લોકોએ ગઇકાલે ફટાકડા ફોડી દિવાળી ઉજવેલ. ઘણા લોકો અને સંસ્થાઓ આજે દિવાળી ઉજવી રહયા છે. આ વખતે દિવાળી અને નવા વર્ષ વચ્ચે આજનો દિવસ છે. તે પડતર દિવસ અથવા ધોકા તરીકે ઉજવાય છે. બજારોમાં તહેવારોની રોનક દેખાઇ રહી છે. મોડી રાત સુધી બજારો અને માર્ગો પર ખુબ ગીર્દી જોવા મળે છે. ખરીદી નીકળતા વેપારીઓ પણ રાજી છે. વિતેલા વર્ષને વિદાય આપી રહયા છે. સારી આશાથી નવા વર્ષના વધામણાનો થનગનાટ જોવા મળે છે.
(2:42 PM IST)










