<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

મગજ ભમતો હોઇ દવા લેવા જવાનું કહેતાં ૧૬ વર્ષનો ઓમકારાનો બીજા માળેથી કૂદી આપઘાત

ચાર દિવસ પહેલા યુપીથી રાજકોટ ભાઇના ઘરે આટો મારવા આવ્‍યો હતો : આજી જીઆઇડીસીમાં બનાવઃ ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ ગોંડલ ચોકડીએથી મળ્‍યો હતોઃ વતન મુકવા જાય એ પહેલા પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૧: આજી જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે જે. કે. મેન્‍યુફેક્‍ચર નામના કારખાના પાસે રહેતાં મુળ યુપીના યુવાનના ઘરે ચાર દિવસ પહેલા જ આવેલા તેના ૧૬ વર્ષના ભાઇએ બીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ઓમકારા બચ્‍ચારામ યાદવ (ઉ.વ.૧૬) નામનો સગીર ગઇકાલે બીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન રાત્રીના મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

ઓમકારા ચાર ભાઇમાં સોૈથી નાનો હતો અને યુપીમાં પરિવાર સાથે રહી અભ્‍યાસ કરતો હતો. તેનો ભાઇ રામકુમાર આજી જીઆઇડીસીમાં રહી કારખાનામાં કામ કરતો હોઇ ઓમકારા ચાર દિવસ પહેલા જ ભાઇના ઘરે આવ્‍યો હતો. અહિ તેનો મગજ ભમતો હોઇ ગઇકાલે ઘરેથી નીકળી જતાં શોધખોળ બાદ ગોંડલ રોડ ચોકડીએથી મળી આવ્‍યો હતો. તેને પરત વતન મુકવા જવાનો હોઇ એ પહેલા દવા લેવા જવાનું કહેતાં તેણે મારે દવા નથી લેવી તેમ કહી જીદ પકડી હતી. બાદમાં અચાનક કારખાનાના બીજા માળે જઇ છત પરથી છલાંગ લગાવી દીધી હતી. સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન યુપી લઇ જવામાં આવ્‍યો હતો. પીએસઆઇ એ. પી. રતને જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:21 PM IST)