News of Tuesday, 21st October 2025
પડધરીના તરઘડી પાસે પુત્રના બાઇકમાંથી પડી જવાથી શાંતાબેન ડામોરનું મોત
મહિલાએ રાજકોટમાં દમ તોડયોઃ હટાણુ કરવા જતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૧: પડધરીના ગોકુલપર ગામમાં રહેતાં શાંતાબેન ગોવિંદભાઇ ડામોર (ઉ.વ.૩૪) નામના મહિલા પુત્રના મોટર સાઇકલમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ગોકુલપરમાં રહેતાં શાંતાબેન ડામોર ગઇકાલે પુત્ર સંતોષકુમારના મોટર સાઇકલમાં બેસીને હટાણુ કરવા જતાં હતાં ત્યારે તરઘડી પાસે વાહનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં પ્રથમ એઇમ્સ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પતિ કારખાનામાં કામ કરે છે. આ પરિવાર મુળ દાહોદનો વતની છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:42 PM IST)










