તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
કુવાડવાના સણોસરામાં માનસિક તકલીફ ધરાવતાં ૫૦ વર્ષના સુમાભાઇને પુત્રીએ માર મારી દોરડાથી બાંધી દેતાં મોત
વારંવાર ઘરેથી નીકળી જતાં હોઇ અને તોફાન કરતાં હોઇ કાબુમાં રાખવા માર મારી બાંધી દેવાયા હોઇ મોત થયું પુત્રી કાજલ અને સગીર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો કુવાડવા રોડ પોલીસે દાખલ કર્યો

રાજકોટઃ કુવાડવા તાબેના સણોસરા ગામે આવેલી જયંતિભાઇ ઠુમ્મરની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના વતની સુમાભાઇસકરીયાભાઇ મેડા (ઉ.વ.૫૦) ધોકાની રાતે દસેક વાગ્યે વાડીમાંથી ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળતાં ૧૦૮ બોલાવાઇ હતી. જેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસની તપાસમાં એવી વિગતો સામે આવી છે કે સુમાભાઇ મેડા માનસિક તકલીફ ધરાવતાં હોઇ અને વારંવાર ઘરેથી-વાડીએથી નીકળી જતાં હોઇ તેમજ ઝઘડા કરતાં હોઇ તેને કાબુમાં રાખવા તેની જ દિકરી કાજલબેને લાકડીથી માર મારી દોરડાથી બાંધી દીધા હતાં. જેમાં સગીર બાળકે પણ મદદ કરી હતી. દોરડાથી બાંધી દેવાથી તેમનું મૃત્યુ નિપજી શકે તેવું જાણવા છતાં સુમાભાઇને કાબુમાં લેવા લાકડીથી માર મારી ઇજા કરી દવાખાને ન લઇ જઇ દોરડાથી બાંધી રાખતાં સુમાભાઇનું મોત થયું હતું.
આ બનાવમાં કુવાડવા રોડ પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ એ. એ. બ્લોચે મૃતક સુમાભાઇના ભત્રીજા દાહોદના ખંગેલા ગામના વતની બકુલભાઇ નારૂભાઇ મેડાની ફરિયાદ પરથી મૃતકના પુત્રી કાજલબેન અને સગીર સામે બીએનએસની કલમ ૧૦૫, ૫૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(10:42 AM IST)










