<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

જામનગર રોડ મનમોહન મારબલ પાસે હિટ એન્‍ડ રનઃ માલિયાસણના સુરેશભાઇ વાંસફોડાનું મોતઃ અજાણ્‍યો બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

ઘંટેશ્વર પાસે કારે રિક્ષાને ઉલાળતાં ચંદ્રિકાબેન જાદવને ફ્રેકચરઃ તેના ભાઇ સહિતને ઇજાઓ

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર નવા વર્ષની સાંજે હિટ એન્‍ડ રનની ઘટનામાં એક આધેડનું મૃત્‍યુ થયું છે. રસ્‍તો ઓળંગી રહેલા આ આધેડને અજાણ્‍યા બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું. બનાવની જાણવા મળેલી વિગત મુજબ જામનગર રોડ મનમોહન મારબલ પાસે નવા વર્ષની સાંજે સાડા સાતેક વાગ્‍યે માલીયાસણના સુરેશભાઇ કાંતિલાલ વાંસફોડા (ઉ.વ.૪૫) ચાલીને રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યો બાઇક ચાલક તેમને ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ  મથકના પીએસઆઇ એ. બી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે આ બનાવમાં મૃતકના ભાઇ માલીયાસણમાં સનરાઇઝ પાર્ક સોસાયટીમાં રહેતાં રમેશભાઇ કાંતિભાઇ વાંસફોડાની ફરિયાદ પરથી અજાણ્‍યા બાઇકના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. નવા વર્ષના દિવસે પરિવારે મોભી ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે કાર નં. જીજે૦૩એનબી-૭૮૩૭ના ચાલકે રિક્ષા નં. જીજે૦૩ટીસી-૧૭૦૪ને ઠોકરે લેતાં તેમાં બેઠેલા ઉમિયા ચોક સાઇધામ સોસાયટીમાં રેહતાં ચંદ્રિકાબેન મનસુખભાઇ જાદવ (ઉ.વ.૫૯) તથા તેમના ભાઇ કમલશેભાઇ ડોડીયા સહિતને ઇજાઓ થઇ હતી. જેમાં ચંદ્રિકાબેનને જમણા હાથમાં ફ્રેકચર થઇ ગઇ હતી. યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ વી. ડી. ઝાલાએ ચંદ્રિકાબેનની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્‍યો હતો.

(10:43 AM IST)