તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 24th October 2025
ભોમેશ્વર વાડીના મહાવીર ખાચરને ભોમેશ્વરના સમીર, મોહસીન, રમીઝ, સોહીલ, મોહસીનના કાકાએ તું ઝુબેર ઉર્ફ ટીકુભાઇને ત્યાં કામ શું કામ કરે છે? કહી લોખંડના પાઇપથી બેફામ માર માર્યોઃ હાથમાં બે ફ્રેકચરઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ શહેરના ભોમેશ્વરવાડી વિસ્તાર શેરી નં. ૧ શ્રીનાથજી ડેરીવાળી શેરીમાં રહેતાં મહાવીર બહાદુરભાઇ ખાચર (ઉ.વ.૨૬)ને તે બેસતા વર્ષની રાતે પોણા બારે અને બીજા દિવસે ફરીથી રાતે સાડા અગીયારેક વાગ્યે સમીર જુણેજા, મોહસીન જુણેજા, રમીઝ, સોહિલ, મોહસીનના કાકા સહિત પાંચ જણાએ ગાળો દઇ છરી બતાવી લોખંડના પાઇપથી બંને પગે માર મારી તેમજ છરીના હાથાથી મોઢા પર માર મારી ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે.
મહાવીર ખાચરે જણાવ્યું છે કે હું પંદર વર્ષથી જુબેરભાઇ શેખને ત્યાં તેના ઘરનું અને ઓફિસનું કામ કરુ છું. બેસતા વર્ષની ૨૨મીની રાતે સવા અગીયારેક વાગ્યે હું ઘર પાસે હતો ત્યારે મિત્ર રાજભા જાડેજા, ગોપાલ ચુડાસમા આવ્યા હતાં અને કહેલુ કે મિત્ર ધવલનો જન્મદિવસ હોઇ બજરંગવાડી સર્કલે ગોલા ખાવા ગયો છે, આપણે પણ જવાનું છે. જેથી હું અને મિત્રો ત્રણેય ત્યાં ગયા હતાં. રાતે પોણા બારે ઘર તરફ જતો હતો ત્યારે એરપોર્ટ બગીચા પાસે સમીર જુણેજા આવ્યો હતો અને મારા બાઇક આડે એક્સેસ નાખી મને કહેલું કે-તું કેમ ટીકુભાઇ સાથે રખડે છે? કહી ગાળો દઇ છરી કાઢી ધમકાવી પોતાના એક્સેસ પાછળ બેસવાનું કહેતાં હું બેસી ગયો હતો.
એ પછી મારા મિત્રો કિશન, ગોપાલ જતાં રહ્યા હતાં. સમીરે તેના ઘર પાસે ભોમેશ્વર પ્લોટ ખોડીયાર ડેરી પાસે મને લઇ ગયો હતો. જ્યાં મોહસીન પણ હતો તેણે લોખંડના પાઇપથી પગમાં માર માર્યો હતો. સમીર પણ ઘરમાંથી પાઇપ લાવ્યો હતો અને તેણે પણ ઘા માર્યા હતાં. બાદમાં સોહિલ અજાણી મહિલાને લઇને આવ્યો હતો, મહિલા ઘરમાં જતી રહ્યા બાદ સોહિલે પણ માર માર્યો હતો. સોહિલે પીઠના ભાગે પાટા મારી વાળ ખંચી મોઢા પર ફડાકા માર્યા હતાં. તેમજ સમીરે મોઢા પર ઉંધી છરી મારી દીધી હતી. મોહસીન તેના કાકાને બોલાવી લાવતાં તેના કાકા બહાર આવેલ. ત્યાં સમીરે કહેલું કે આવડો આ ઝુબેર ઉર્ફ ટીકુને ત્યાં નોકરી કરે છે આ એ જ છે અને મોહસીને ફરી કહેલું કે તને ટીકુભાઇ ભેગુ રહેવાની ના પાડી, નોકરી કરવાની ના પાડી તો પણ કેમ સમજતો નથી. બાદમાં મોહસીનના કાકાએ પણ મને તું ખોટુ બોલે છે કહી ફડાકા મારી દીધા હતાં.
મોહસીને કપાળ પાસે મને કોઇ વસ્તુ રાખી કહેલું કે તને મારી નાખીશ પછી જ મને શાંતી મળશે. આ પછી સમીર, મોહસીન પાઇપ લઇ મારી પાસે ઉભા રહી ગયેલા અને સમીરના ફોનમાંથી ફોન કરવા મારી પાસે ટીકુભાઇનો નંબર માંગતા મેં આપતાં ટીકુભાઇને તેણે ફોન કરી મને ફરીથી ગાળો દીધી હતી. મોહસીનના કાકાએ મારુ નામ સરનામુ પુછી ફરી કહેલુ કે અમારે ટીકુભાઇ સાથે માથાકુટ ચાલે છે તું તેની સાથે હતો. ઝુબેરભાઇનો ફોન ન લાગતાં નીશારભાઇના નંબર માંગ્યા, તેનો પણ ફોન ન લાગતાં તેના ભાઇ અજીતભાઇનેફોન કરેલો. તેણે ફોન ઉપાડતાં કહેલું કે-તારા માણસને માર મારેલ છે, તમે ણણ અહિ આવો તેમ કહ્યું હતું. ત્યાં પોલીસની ગાડી આવતી હોઇ આ બધા ભાગી ગયા હતાં. જતાં જતાં મોહસીને ધમકી આપી હતી કે જો પોલીસને ફોન કરીશ તો મારી નાખશું. આ પછી મને દુઃખાવો થતો હોઇ હોસ્પિટલમાં જતાં ડાબા હાથની કોણી, જમણા હાથની હથેળીમાં ફ્રેકચર થયાનો રિપોર્ટ આવ્યો હતો. હું ઝુબેર ઉર્ફ ટીકુભાઇને ત્યાં નોકરી કરતો હોઉ તેની સાથે આ લોકોને માથાકુટ ચાલતી હોઇ જેથી ખાર રાખી હુમલો કરી મારા હાથમાં બે જગ્યાએ ફ્રેકચર કરી નાંખ્યું હતું. તેમ વધુમાં મહાવીર ખાચરે કહેતાં હેડકોન્સ. પી. જી. ગોહિલે પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:40 AM IST)










