News of Friday, 24th October 2025
રાજકોટમાં સ્નેપચેટથી ધોરણ-૯ની છાત્રાને ફસાવી મધરાતે અટલ સરોવર તરફ લઇ જઇ બળાત્કારઃ બેસતા વર્ષની રાતે ફરીથી લઇ ગયોઃ બાળકી ઘરે આવતાં વિગતો બહાર આવીઃ યુનિવર્સિટી પોલીસે લાલો ઉર્ફ નાનજી પરમાર વિરૂધ્ધ બળાત્કાર-પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરી

રાજકોટઃ શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના બની છે. જેમાં એક શખ્સે સોશિયલ મિડીયા માધ્યમ સ્પેનચેટ થકી ધોરણ-૯ની ૧૫ વર્ષની વિદ્યાર્થીનીને હવસખોરીનો શિકાર બનાવી છે. બાળકીને આ શખ્સે બેસતા વર્ષની મોડી રાતે બહાર બોલાવી પોતાની સાથે લઇ જઇ ચુંબન કરી લઇ છેડછાડ કરી હોવાનું અને એ પહેલા પણ મધરાતે બહાર લઇ જઇ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ધોરણ-૯ની વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી લાલો ઉર્ફ નાનજી ભુપતભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે ૨૨મીએ બેસતા વર્ષની રાતે અમે બધા સુઇ ગયા હતાં. રાતે ત્રણેક વાગ્યે બીજી દિકરીની ઉંઘ ઉડતાં તેણે બહેન ઘરમાં નથી તેવુ કહેતાં અમે તપાસ કરતાં ડેલી ખુલ્લી હતી. આસપાસ તપાસ કરવા છતાં પત્તો મળ્યો નહોતો. અમે શોધખોળ ચાલુ કરી હતી ત્યારે સવારે પાંચેક વાગ્યે ગૂમ દિકરી ઘરે આવી હતી. અમે તેની પૃછા કરતાં કહ્યું હતું કે લાલો ઉર્ફ નાનજી દિેનશભાઇ પરમારે મારી સાથે સ્નેપચેટથી વાત કરી હતી. તમે લોકો સુઇ જાઓ પછી હુ તમારા ફોનથી સ્નેપચેટથી વાત કરતી હતી.
બેસતા વર્ષની રાતે ત્રણેક વાગ્યે તેણે મને બોલાવી હતી અને મને રૈયા વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં કોઇ મહિલાના રૂમમાં મને બેસાડી હતી અને ચુંબન કરી છેડછાડ કરી હતી. પછી બાઇકમાં બેસાડી પરત મુકી ગયો હતો. દિકરીને અમે વધુ પુછતાં તેણીએ કહ્યું હતું કે બેસતા વર્ષના પંદર દિવસ અગાઉ પણ મધરાતે લાલો ઉર્ફ નાનજી પરમાર મને અટલ સરોવર તરફ લઇ ગયો હતો અને લગ્ન કરવાની વાત કરી પરાણે મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આમ દિકરીએ અમને વાત કરતાં અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ ભોગ બનનારના પિતાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ ડી. બી. કારેથાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:37 AM IST)










