<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

રાજકોટમાં પતિની દારૂની કૂટેવ છોડાવવા જતાં મહિલાનું શોષણઃ કુતિયાણાના દિવ્‍યેશ ચોૈહાણે વિધીના બહાને પ્રસાદ ખવડાવી બેભાન કરી મહિલાનો દેહ પીંખ્‍યોઃ વારંવાર વિધીના બહાને બળાત્‍કારઃ મહિલાને ખોટુ થઇ રહ્યાનો અણસાર આવતાં વિધી કરાવવાની ના પાડતાં ફોટા પતિને મોકલી દેવાની ધમકીઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ શહેરમાં એચ ચોંકાવનારી દૂષ્‍કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.  જેમાં એક મહિલાના પતિને દારૂ પીવાની ટેવ હોઇ તેણીએ પોરબંદરના કુતીયાણા પંથકના શખ્‍સનો પરિચય કરી વાત કરતાં આ શખ્‍સે તમારા પતિને દારૂ પીવાની ટેવ છોડાવવા માટે વિધી કરવી પડશે અને તેમાં ખર્ચ પણ થશે. તેમ કહી વિધી કરવાના બહાને મહિલાને એકલી બોલાવી કોઇ ઘેની પદાર્થ ભેળવેલી પ્રસાદી ખવડાવી બેભાન કરી તેણી સાથે શરીર સંબંધ બાંધી લઇ તેમજ ખરાબ ફોટા પાડી લેતાં બાદમાં મહિલાને પોતાની સાથે ખોટુ થઇ રહ્યાની ખબર પડતાં તેણે વિધી કરાવવાની ના પાડતાં આ શખ્‍સે ફોટા તેણીના પતિને મોકલી દેવાની ધમકી આપી ફરીથી બળાત્‍કાર ગુજારતાં ફયિરાદ થઇ છે.

બનાવ અંગે જાણવા મળેલી વિગતો મુજબ આ મામલે થોરાળા પોલીસ દ્વારા ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી કુતિયાણાના દિવ્‍યેશ કાંતિભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ બીએનએસની કમલો હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે ભોગ બનનાર મહિલાના પતિને દારૂ પીવાની કુટેવ હોઇ તે આ કુટેવ છોડાવવા માંગતી હતી. આ દરમિયાન વર્ષ ૨૦૨૩માં તેણીનો સંપર્ક કુતિયાણાના દિવ્‍યેશ ચોૈહાણ સાથે થયો હતો. આ શખ્‍સે પોતે વિધી કરવાનું જાણે છે અને વિધી કરવાથી તમારા પતિની દારૂની કુટેવ છુટી જશે તેમ કહ્યું હતું. મહિલા દિવ્‍યેશની વાતમાં આવી ગઇ હતી અને દિવ્‍યેશે કહ્યા મુજબ તેની પાસે એકલી વિધી કરાવવા ગઇ હતી. ૧/૧/૨૦૨૩ના રોજ દિવ્‍યેશે વિધી કરવાના બહાને મહિલાને બેસાડી બાદમાં વિધીનું નાટક કરી તેણીને કોઇ પ્રસાદી ખવડાવી હતી.

આ પ્રસાદી ખાધા બાદ તેણી બેભાન થઇ ગઇ હતી. એ પછી તેને ખબર ન પડે એ રીતે વારંવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં તેમજ ખરાબ ફોટા પાડી લીધા હતાં. આ રીતે અવાર-નવાર ગત ૨૩/૧૦/૨૫ સુધી દિવ્‍યેશે વિધીના બહાને બોલાવી મહિલાનું સતત શારીરિક શોષણ કર્યુ હતું. છેલ્લે મહિલાને પોતાની સાથે ખોટુ થયાની ખબર પડતાં અને વિધી કરાવવા છતાં ખર્ચના પૈસા આપવા છતાં કોઇ ફરક ન પડતાં તેણીએ વિધી કરાવવાની ના પાડી દેતાં દિવ્‍યેશે જો તે વિધી કરાવવા નહિ આવે તો તેણીના ફોટા તેના પતિને મોકલી દેશે તેમ કહી ધમકી આપી બળાત્‍કાર ગુજારી લીધો હતો. અંતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એન. આર. ડોબરીયાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(10:39 AM IST)