તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th October 2025
રાજકોટમા કુવાડવા રોડ શિવપરામાં બારીની સ્ટોપર તોડી સળીયો લાંબો કરી પોણા દસ કિલો ચાંદી ભરેલો થેલો ચોરી જવાયોઃ ચોરના હાથમાં મોરપીચ્છ જેવું ટેટૂ ત્રોફાવેલું હતું: ઘટના સીસીટીવીમાં કેદ
બી-ડિવીઝન પોલીસે કારખાનેદાર યોગેશભાઇ બહાપીયાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટઃ શહેરમાં ચોરીનો વધુ એક બનાવ નોંધાયો છે. કુવાડવા રોડ પર સૂર્યમુખી હનુમાનજીના મંદિર પાછળ આવેલા શિવપરા-૨માં આવેલા કારખાનામાં બારી તની સ્ટોપર તોડી બારીમાંથી હાથ નાંખી લાંબા સળીયાની મદદથી રૂા. ૧૦ લાખની પોણા દસ કિલોગ્રામ ચાંદી ભરેલો થેલો તસ્કરો ચોરી ગયા છે.
આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ થતાં કારખાનાના માલિક મોરબી રોડ રેડ રોઝ હોટેલ પાછળ વેલનાથપરા-૧૬માં રહેતાં યોગેશભાઇ મનસુખભાઇ બહાપીયા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યોગેશભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કુવાડવા રોડ સુર્યમુખી હનુમાન મંદીર પાછળ શિવપરા શેરી નંબર ૦૨ માં મારા પોતાના કારખાનામાં ચાંદીકામની મજુરીકામ કરી મારા ગુજરાન ચલાવું છું. ચાંદીકામનું કારખાનુ અમે ચારેક મહીના પહેલા ચાલુ કરેલ છે અને તેમા ચાંદીકામ કરવા માટે અમે સાત કારીગરો મજુરીકામ કરે છે અને ગઈ તા.૧૯/૦૭/૨૦૨૫ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે હું મારૂ કારખાનાને તાળુ મારી બંધ કરી ઘરે જતો રહેલ અને ગઇ તા.૨૧/૦૭/૨૦૨૫ના સવારના સાડા નવેક વાગ્યે હું મારા કારખાને આવી કારખાનું ખોલી અંદર પ્રવેશી જોતા મારા કારખાનામાં પડેલ આશરે પોણા દસ કીલોગ્રામનો પ્યોર ચાંદી ભરેલ થેલો જોવામાં આવેલ નહીં. જેથી કારખાનામાં તપાસ કરતા બાજુની દિવાલની બારીની સ્ટોપર તુટેલી દેખાતાં મેં મારા કારખાનામાં લગાવેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગગ ચેક કર્યુ હતું.
આ રેકોર્ડિંગમાં જોવા મળ્યું હતું કે તા.૨૦/૭ના રાત્રીના પોણા બે વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં બાજુની દિવાલની બારી બહારના ભાગેથી કોઈ અજાણ્યા ચોરે બારીની સ્ટોપર તોડી બારી ખોલી બારીમાંથી હાથ નાખી હાથમા લાંબો સળીયો રાખી સળીયાથી કારખાનામાં અંદર પડેલ આશરે પોણા દસ કીલોગ્રામનો પ્યોર ચાંદી ભરેલ થેલો સળીયાથી ખેંચી ગયો હતો. આ ચોરના હાથમાં કોણી તથા કાંડાના વચ્ચેના ભાગે મોરપીંછ જેવું દેખાનું ટેટુ ત્રોફાવેલ તેમજ લાબી બાંહનું ટી-શર્ટ પેહરેલું જોવામા દેખાયું હતું. આ શખ્સનો ચેહરો જોઇ શકાયો નહોતો. ચોરી થયા બાદ મેં મારા કારખાનમા કામ કરતા કારીગરોની પુછપરછ કરી મારી રીતે શોધખોળ કરી હતી. મને આ ચોરી બાબતે અમારા કારખાનામાં કામ કરતા કારીગરો ઉપર શંકા હોઇ જેથી હવે મોડેથી ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં યોગેશભાઇએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:22 AM IST)










