<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

દિલ્‍હીથી એર ઇન્‍ડિયાની ફલાઈટમાં રાજકોટ આવેલા મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ પર મેયર, ધારાસભ્‍યો સહિતના મહાનુભાવો દ્વારા સ્‍વાગત

રાજકોટ દિલ્‍હી ફલાઈટની ફ્રીક્‍વન્‍સી વધતાં સૌરાષ્‍ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ

રાજકોટ,  તા., ૨૭: કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા રાજકોટ દિલ્‍હી વચ્‍ચે શરુ થયેલી નવી ફલાઈટમાં યાત્રા કરી રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતાં મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ પુષ્‍પગુચ્‍છ આપી  સ્‍વાગત કર્યું હતું.

મંત્રી શ્રી માંડવીયાએ આ  તકે હર્ષની લાગણી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, રાજકોટ અને દિલ્‍હી વચ્‍ચે સવારે બે અને સાંજે બે એમ કુલ મળીને ચાર ફલાઈટની કનેક્‍ટિવિટી મળતા રાજકોટ અને સૌરાષ્‍ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને મોટો લાભ થશે.

તેમણે જણાવ્‍યું હતું કે, રાજકોટ સૌરાષ્‍ટ્રનું વેપાર ઉદ્યોગનું કેન્‍દ્ર છે. રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ વિદેશના ઉદ્યોગકારોને દિલ્‍હીથી રાજકોટની ફલાઇટની વધુ સુવિધા પ્રાપ્ત થતાં ઉદ્યોગકારોને લાભ થશે.

સાથોસાથ રાજકોટ સૌરાષ્‍ટ્રના મધ્‍ય ભાગમાં હોવાથી યાત્રાધામ સોમનાથ, દ્વારિકા સહિતના ધાર્મિક સ્‍થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ મળશે તેમ મંત્રીએ જણાવ્‍યું હતું.

આ તકે ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવે ભારત સરકારનો આભાર માનતાં જણાવ્‍યું હતું કે, લાભ પાંચમના દિવસે રાજકોટ દિલ્‍હીને જોડતી  નવી ચાર ફલાઈટ  મળતાં રાજકોટ સૌરાષ્‍ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે. 

આ તકે અગ્રણીઓ સર્વે માધવભાઈ દવે, વીરેન્‍દ્ર સિંહ ઝાલા, હંસરાજભાઇ ગજેરા, તેજસભાઈ ભટ્ટી, અમળતભાઈ ગઢિયા, નૌતમભાઈ બારસીયા સહિતના ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યા હતાં. 

 

(11:14 AM IST)