હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભગવતીપરા પૂલ નીચે યુપીના બે યુવાનને ગળે છરી મુકી લૂંટઃ એસઓજીએ કલાકોમાં બે આરોપીને ઝડપી લીધા
વતનમાં ઓનલાઇન પૈસા મોકલવા હોઇ મોહિત અને છુટકાકુમાર દૂકાને જતાં હતાં ત્યારે આંતરી લીધા : જે હોય તે આપી દેવા કહી ધમકાવી ઝપાઝપી કરી ઇજા પહોંચાડી ૭૫૦૦ની લૂંટ કરી હતીઃ કુલદીપ ઉર્ફ રાજ, જય ઉર્ફ જયલો પકડાયાઃ રોહિતની શોધખોળઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલાની ટીમની કાર્યવાહી : ઝડપાયેલા બેમાં એક શખ્સ ટ્રાફિક શાખાની ટોઇંગ વેનનો કર્મચારી : આસી સબ ઇન્સ. રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૭: શહેરના મોરબી રોડ લાતી પ્લોટ-૪માં રહેતાં મુળ યુપીના અલાહાબાદના મોંગલા ગામના ૧૯ વર્ષના મોહિત દિનેશકુમાર ગોૈતમને રવિારે સાંજે સાડા ચારેક વાગ્યે ભગવતીપરા પૂલ નીચે મેલડી માતાજીના મંદિર નજીક જુના મોરબી રોડ પર આંતરી ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી જે હોય તે આપી દેવા કહી ગાળો દઇ ઝપાઝપી કરી સાડા સાત હજારની રોકડ લૂંટી લીધી હતી. આ ગુનાનો ભેદ શહેર એસઓજીએ ઉકેલી બે શખ્સોને દબોચી લીધા છે. ત્રીજાનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. પકડાયેલામાં એક શખ્સ ટ્રાફિક શાખાની ટોઇંગવેનના કર્મચારી તરીકે કામ કરે છે.
જાણવા મળ્યા મુજબ લાતી પ્લોટ-૪માં રહેતો મોહિત ગોૈતમ મુળ યુપીનો વતની છે અને બે મહિનાથી તે રાજકોટ રહી સાડીના રંગ કામની મજૂરી કરે છે. તેણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે હું અને મારો મિત્ર છુટકાકુમાર બંને ભગવતીપરામાં દર્શ નામની દૂકાને પૈસા ટ્રાન્સફર કરાવવા જતાં હતાં. મારે સાડા સાત હજાર રૂપિયા મારા પરિવારને ઓનલાઇન મોકલવાના હતાં. અમે બંને ભગવતીપરા પૂલ નીચે રેલ્વેના પટા પહેલા મેલડી માતાના મંદિર પાછળ આવેલા ખરાબા પાસે પહોંચ્યા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતાં. જેમાંથી એક શખ્સે મારા ગળા પર છરી મુકી દીધી હતી અને-તમારી પાસે જેટલા પૈસા હોય એટલા આપી દો તેમ કહેતાં અમે બંનેએ અમારી પાસે કોઇ પૈસા નથી તેમ કહ્યું હતું.
આથી આ ત્રણેય શખ્સો ગાળાગાળી કરવા માંડયા હતાં અને ઝપાઝપી કરી મને ગળા પાસે અને કોણી ઉપર ઇજા પહોંચાડી હતી. એક શખ્સે બળજબરીથી મારા પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી સાડા સાત હજાર રૂપિયા લૂંટી લીધા હતાં. આ વખતે મારો મિત્ર છુટકાકુમાર ત્યાંથી ભાગી ગયો હતો અને મદદ માટે જોર જોરથી બૂમો પાડવા માંડયો હતો. જેની બૂમો સાંભળીને નજીકમાં જ મારા મિત્રો દિપકકુમાર, રાજુ, કમલ હોઇ તેઓ આવી ગયા હતાં. જો કે આ ત્રણેય રોકડ લૂંટી ભાગી ગયા હતાં. બાદમાં મેં ૧૧૨માં ફોન કરી પોલીસને બોલાવી બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.
લૂંટના આ ગુનાનો ભેદ કલાકોમાં શહેર એસઓજીની ટીમે એએસઆઇ રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી ઉકેલી નાંખ્યો છે. બે શખ્સો કુલદીપ ઉર્ફ રાજ મોહનભાઇ મકવાણા (ઉ.વ.૧૯-રહે. ભગવતીપરા ત્રિમુર્તિ ચોક) તથા જય ઉર્ફ જયલો વિક્રમભાઇ મકવાણા (ઉ.વ.૨૩-રહે. પારેવડી ચોક, ખોડીયાર પરા)ને પકડી લીધા છે. આ બંનેની પુછતાછમાં ત્રીજા શખ્સ રોહિત ધર્મેન્દ્રભાઇ દંડૈયા-રહે. ખોડીયારપરાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. કુલદીપ ઉર્ફ રાજ છુટક મજૂરી કરે છે અને જય ઉર્ફ જયલો ટ્રાફિક શાખાની ટોઇંગ વાનમાં વાહનો ચડાવવા ઉતારવાની મજૂરી કરે છે. ત્રણેય મિત્રોને પૈસાની જરૂર હોઇ પ્લાન ઘડી લૂંટ ચલાવી હતી. પકડવાનો બાકી છે એ શખ્સ રોહિત અગાઉ પ્ર.નગર પોલીમસાં એક ગુનામાં સંડોવાઇ ચુક્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, કોન્સ. અનોપસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. વધુ તપાસ બી-ડિવીઝન પીએસઆઇ સ્યોરાએ હાથ ધરી છે.










