તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામબાપાનું પ્રાગટય અને અનુભૂતિઃ મિતલ ખેતાણી

સંતશ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮પ૬ ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠકકર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભકત હતા.
જલારામબાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઇ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા, તેઓ પોતાના પિતાથી છૂટા થઇ ગયા અને તેમના કાકા વાલજીભાઇએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.
૧૮૧૬ ની સાલમાં ૧૬ વર્ષ ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઇ ઠકકરની પુત્રી વીરબાઇ સાથે કરવામાં આવ્યા. વીરબાઇ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામબાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરકત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નકકી કર્યુ ત્યારે પત્ની વીરબાઇ પણ તેમની સાથે જોડાયા.
૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ‘‘ગુરૂમંત્ર'', માળા અને શ્રી રામનું નામ આપ્યું તેમના ગુરૂના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી, સદાવ્રત એ એવું સ્થળ છે કે જયાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ર૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.
એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિં આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઇ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઇ માતાના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહી, ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરૂષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યકિતને નાત-જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલું છે.
એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઇને ઇલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને ‘‘બાપા'' કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામબાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઇને આવવા લાગ્યા જલારામબાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂરથઇ જતાં, હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા ૧૮રર માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડયો, દાકતરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જલામે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઇ જશે તો તેઓ જલારામબાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઇને જલારામબાપાને મળવા ગયા અને કહ્યું ‘‘જલા સો અલ્લાહ''
એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઇને આવ્યા અને કહ્યું કે તેમની સેવા મો જલારામે પોતાની પત્ની વીરબાઇમા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઇ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઇને સંતની સેવા માટે મોકલી આપ્યાં, પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઇ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું તેણીએ ત્યાં રાહ જોઇ પણ તે સંત પાછા ન આવ્યા, તેથી ઉલટું આકાશવાણી થઇ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઇ મા પાસે એક દંડો અને ઝોળી મુકતા ગયાં હતા. વીરબાઇ મા ઘરે આવ્યા અને જલારામબાપાને આકાશવાણી,દંડા અને ઝોળીની વાત કરી. આદંડો અને ઝોળી વીરપુરમા કાચની પેટીમાં પ્રદર્શનમાટે મૂકેલા છે. (૩પ-૯)
મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)
(2:13 PM IST)










