તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
સસ્તા અનાજના દુકાનદારોની આર-પાર લડાઇઃ ૧લી તારીખથી સજજડ હડતાલ
રાજકોટના ૭૦૦ સહિત રાજયભરના ૧૭ હજાર દુકાનદારો જોડાશેઃ પરમીટ કોઇએ ઉપાડી નથીઃ ચલણ ભર્યા નથી... : DSOને આવેદનઃ અનેક મુદાઓઃ લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો નવેમ્બરના ઘઉં-ચોખા-તુવેરદાળ-ચણા-ખાંડ-મીઠા-બાજરીથી વંચિત રહેશે

રાજકોટ તા. ર૮: જીલ્લા ફેર પ્રાઇઝ શોપ એસો.ના આગેવાનોએ આજે સૂત્રોચ્ચાર સાથે રાજકોટ જીલ્લા પૂરવઠા અધીકારીને આવેદન પાઠવી જણાવેલ કે, વાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા અને નવેમ્બર-ર૦રપના માસ માટે જથ્થાના ચલણ નહીં ભરવા તથા ૧ નવેમ્બર ર૦રપ થી વિતરણથી અળગા રહેવા અંગે જાણ કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જીલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા, અમો આપને જણાવવા માંગીએ છીએ કે અમારા રાજય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોમાં કમિશન દરમાં વધારો, ઇ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બીલ બને, સમિતિના સભ્યોના ૮૦% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચુકવણી, અને ટેકિનકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે.
આટલા લાંબા સમયથી કરેલી રજૂઆતો છતાં, અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળેલ નથી. આથી, ગુજરાત રાજયના બન્ને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમારી પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. આ નિર્ણયના ભાગરૂપે, અમે નવેમ્બર-ર૦રપ માસના જથ્થાના ચલણ નહીં ભરવા અને તારીખ ૧ નવેમ્બર ર૦રપ થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવા જઇ રહ્યા છીએ. આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આપશ્રીને આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
અમારી વિનંતી છે કે, ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે, આ ગંભીર બાબતને ધ્યાને લઇ, અમારા આ આવેદનપત્ર અને તેમાં દર્શાવેલી માંગણીઓનો સત્વરે નિકાલ આવે તેમ આપની કક્ષાના પ્રશ્નો તથા ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સુધીના પ્રશ્નો સરકારને પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરશો. આવેદન દેવામાં માવજીભાઇ રાખસીયા, ભીખાલાલ પાંવ, હિતુભા જાડેજા, પરેશભાઇ સહિત ૩પ થી ૪૦ લોકો જોડાયા હતા.
અત્રે ઉમેરવું જરૂરી કે આ હડતાલથી રાજકોટ શહેર-જીલ્લાની ૭૦૦ જેટલી રેશનીંગ દુકાનોના ૩ લાખથી વધુ ગરીબ કાર્ડ હોલ્ડરો એટલે કે ૧૧ લાખથી વધુ લોકોને અસર પહોંચશે, રાજયની ૧૭ હજાર દુકાનોમાં ૧લી નવેમ્બરથી હડતાલ પડી રહી છે, લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો ઘઉં-ચોખા-તુવેરદાળ, ચણા, ખાંડ, બાજરી, મીઠાથી વંચિત રહેશે, ભારે દેકારો મચી જવાનો ભય વ્યકત થઇ રહ્યો છે, દરમિયાન આ વખતે પુરવઠાતંત્રે તુવેરદાળનો પ૦ ટકા જથ્થો ફાળવ્યો છે, તે બાબતે પણ દેકારો મચી ગયો છે. (૭.૧૭)
(2:45 PM IST)










