News of Tuesday, 28th October 2025
સુવર્ણભૂમિ પરિસર કાલે જલારામમય બનશેઃ શનિવારે મહાપ્રસાદ
પ. પૂ. જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે : હજારો ભકતો અન્નકુટ દર્શન, મહાઆરતીનો લાભ લઇ પવિત્ર વાતાવરણમાં ધન્યતા અનુભવશેઃ વડીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થાઃ સ્પેશ્યલ હાપાથી મંગાવવામાં આવેલ સાત ફુટનો પવિત્ર રોટલો આકર્ષણનું કેન્દ્ર બનશેઃ રંગોળી પણ સૌનું ધ્યાન ખેંચશે

રાજકોટ, તા. ૨૮: સુવર્ણભૂમિ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ રાજકોટની પ્રતિષ્ઠિત અને પ્રેરણારૂપ સોસાયટી ‘સુવર્ણ ભૂમિ' પરિસર ખાતે આવતીકાલે તારીખ ૨૯-૧૦-૨૦૨૫ના રોજ વિશ્વવંદનીય પ. પૂ. જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિની ધર્મમય-ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમગ્ર સુવર્ણભૂમિ પરિસર જલારામમય બની જશે. સર્વત્ર ‘જય જલીયાણ' નો નાદ સતત ગૂંજતો રહેશે.
અકિલા કાર્યાલય ખાતે ભાવભર્યું આમંત્રણ પાઠવવા માટે આવેલા સુવર્ણભૂમિ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આવતીકાલે જલારામ જયંતિ મહોત્સવ નિમિતે સાંજે સાડા પાંચ વાગ્યાથી અન્નકુટ દર્શન શરૂ થઇ, સાંજે. સવા સાત વાગ્યે મહાઆરતી થશે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઇ મહાપ્રસાદ આગામી શનિવારે રાખેલ છે. પવિત્ર વાતાવરણમાં હજ્જારો ભાવિકો ધન્યતા અનુભવશે. વડીલભાઇઓ -બહેનો ટેબલ-ખુરશી ઉપર બેસીને પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે પણઅલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે સ્પેશ્યલ હાપા (જામનગર) થી મંગાવવામાં આવેલ પૂ. જલારામબાપાનો પવિત્ર રોટલો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. હજ્જારો ભાવિકો પવિત્ર રોટલાના દર્શન થકી પૂણ્યનું ભાથું બાંધશે.
વિશાળ સુવણભૂમિ પરિસરના સભ્ય બહેનો દ્વારા આકર્ષક રંગોળી પણ બનાવવામાં આવશે જે સૌકોઇનું ધ્યાન ખેંચશે. નાના-મોટા સો કોઇ પૂ. જલારામબાપાની ભકિતમાં લીન બની જશે.
‘રામનામ મેં લીન હૈ' દેખત સબમેં રામ... તાકે પદ વંદન કરૂં, જયજય શ્રી જલારામ.
(4:08 PM IST)










