તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
શહેરના મુગટમાં મોરપીંછ ઉમેરાશેઃ રેસકોર્ષના નવિનીકરણની તજવીજ
એક દાયકા બાદ પ૦ કરોડના ખર્ચે સમગ્ર સંકુલને નવા વાઘા પહેરાવવા મ્યુ. કમિશનર તુષાર સુમેરાનું આયોજન

રાજકોટ, તા. ર૮: શહેરમાં લોકોની સુવિધામાં વધારો કરવા વિવિધ પ્રોજેકટો હાથ ધરવામાં આવી રહયા છે ત્યારે શહેરના હાર્દસમા એવા રેસકોર્સ રિનોવેશનનો માસ્ટર પ્લાન અંદાજે ૧૦ વર્ષ બાદ ૫૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવા મનપા દ્વારા આયોજન કરવામાં આવી રહયુ છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ત્રણ નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ સિટી એરિયામાં ર્વકિંગ વુમન્સ હોસ્ટેલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના તેમજ રેસકોર્સનું રિનોવેશનનો સમાવેશ છે. ર્વકિંગ વુમન્સ હોસ્ટેલનું ટેન્ડર પ્રસિધ્ધ થયુ છે, પીએમયુની સ્થાપના બાદ તેના મહેકમ માટે ૩૫ ઇજનેરોની ૧૧ માસના કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની પ્રક્રિયાને મંજૂરી મળી છે. હવે ટૂંક સમયમાં રેસકોર્સનું રિનોવેશન હાથ ધરાશે તેમ જાણવા મળે છે. રેસકોર્સ રિનોવેશન પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેની દરખાસ્ત સહિતની કોઇ પ્રક્રિયા હાથ ધરાઇ નથી પરંતુ ટૂંક સમયમાં દરખાસ્ત કરાશે તેમ જાણવા મળે છે.
રાજકોટવાસીઓના હૃદય સમા રેસકોર્સમાં લગભગ ૨૦૧૫ પછી કોઇ ખાસ ફેરફારો કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી. ૨૦૧૧થી ૨૦૧૩ના સમયગાળામાં રેસકોર્સમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ, ટર્ફ હોકી સહિત રમત ગમતના મેદાનોનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૧૪ અને ૨૦૧૫ માં એથ્લેટિક ટ્રેકનું નિર્માણ કરાયું હતું. જ્યારે ૨૦૧૫ પછી તબક્કાવાર જેમ જરૂરિયાત જણાય તેમ હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો બેસીને મેચ નિહાળી શકે તે માટે વ્યૂઇંગ ગેલેરીનું નિર્માણ, ઇન્ડોર સ્ટેડિયમનું રિનોવેશન કરાયું હતું. બરોડાથી પ્રેરિત થઇ રેસકોર્સમાં ફલાવર શો યોજાયો ત્યારબાદ પુષ્પ ગલીનું નિર્માણ કરાયું, રાજ્ય સરકારના આઈ કેચિંગ પ્રોજેક્ટ અંતર્ગત મળેલી ગ્રાન્ટમાંથી રેસકોર્સની ગ્રિલ બદલાઇ, રેસકોર્સ રિંગ રોડ ઉપર ડેકોરેટિવ લાઈટિંગ જેવા ફેરફારો સમયાંતરે થતા રહ્યા. ત્યારબાદ તાજેતરમાં રેસકોર્સ સ્વિમિંગ પૂલનું રિનોવેશન અને છેલ્લે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. અલબત્ત આ પ્રકારનું નવીનીકરણ અને ફેરફારો રમત ગમતના મેદાનોને લગતા છે પરંતુ રેસકોર્સ ગાર્ડન સહિત સમગ્ર સંકુલનું રિનોવેશન છેલ્લા એક દાયકા દરમિયાન થયું નથી, હવે ફક્ત રંગ રોગાન કે ડેકોરેશન કે વળક્ષારોપણ નહીં પરંતુ રેસકોર્સ સંકુલમાં સમયને અનુરૂપ આધુનિક એવા નવા આકર્ષણો ઉમેરવાની વાત છે.










