હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફિલ્મ જોવા જઇ રહેલા ૧૮ વર્ષના છાત્ર ધ્રુવિલનું ટ્રકની ઠોકરે મોત
માધાપર ચોકડી મૈસુર ભગત ચોકમાં જીવલેણ અકસ્માતઃ રેલનગરના સાયાણી-લોહાણા પરિવારમાં કલ્પાંત :હનુમાન મઢી પાસે ચોરાફળી વેંચતા વિપુલભાઇ સાયાણીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યોઃ મૃત્યુ પામનાર ધ્રુવિલ ૧૨મા ધોરણમાં ભણતો હતો : નાણાવટી ચોકમાં રહેતાં મિત્ર હર્ષ ટાંકને પણ ફિલ્મ જોવા જવાનું હોઇ તેને તેડવા જતો હતો

તસ્વીરમાં જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રક, ઘટના સ્થળે પોલીસ અને મૃતક ધ્રુવિલનું વાહન તથા ધ્રુવિલનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૯: માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રકની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં રેલનગર પેટ્રોલપંપ પાસે આસોપાલવ રેસીડેન્સી એ-૪૦૨માં ચોથા માળે રહેતાં ધ્રુવિલ વિપુલભાઇ સાયાણી-લોહાણા (ઉ.વ.૧૮)નું કમકમાટીભર્યુ મોત થયું છે. ધ્રુવિલ પોતાના ઘરેથી ટુવ્હીલર હંકારી ગુજરાતી ફિલ્મ જોવા જવા નીકળ્યો હતો. એ પહેલા તેને ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહેતાં મિત્ર હર્ષ ટાંકને સાથે લેવાનો હોઇ તેને તેડવા જતો હતો ત્યારે આ બનાવ બની ગયો હતો.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર ધ્રુવિલના પિતા વિપુલભાઇ શાંતીલાલ સાયાણી (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે૩૮ટી-૦૫૧૮ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિપુલભાઇ સાયાણીએ જણાવ્યું છે કે હું પત્નિ નીતા સાયાણી સાથે રહુ છું અને હનુમાન મઢી નજીક કલ્યાણ હાઇસ્કૂલ સામે સામુદ્રી ચોરાફળી નામે રેંકડી રાખી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે દિકરા પૈકી મોટાનું નામ આદિત્ય ઉર્ફ ગોપાલ (ઉ.વ.૨૫) છે, મૃત્યુ પામનાર ધ્રુવિલ નાનો હતો અને ૧૮ વર્ષનો હતો. તે ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો.
મારા દિકરાનો મિત્ર હર્ષ હરેશભાઇ ટાંક ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહે છે. દિકરા ધ્રુવિલ અને તેના મિત્ર હર્ષને મંગળવારે બપોર બાદ ગુજરાતી ફિલ્મ જોવા જવું હોઇ જેથી ધ્રુવિલ મારા પત્નિના નામનું ટુવ્હીલર લઇને ઘરેથી તેના મિત્ર હર્ષને તેડવા જવા નીકળ્યો હતો. હું બપોરે અઢી વાગ્યે શાંતિગનર ગેઇટ પાસે કૈલાસ પાર્ક-૨માં અમારા નવા મકાને ચાવી લેવા ગયો હતો. ત્યારે મને અજાણ્યા વ્યક્તિએ મારા દિકરા ધ્રુવિલના ફોનમાંથી ફોન કરી જાણ કરી હતી કે આ જેનો ફોન છે એ છોકરાને માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં અકસ્માત નડયો છે, તેને સિવિલ હોસ્પિટલે લઇ જાય છે.
આથી હું તુરત સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યાં જઇ જોતાં મારા દિકરા ધ્રુવિલને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. મેં તપાસ કરતાં જાણવા મળેલુ કે ધ્રુવિલ અમારા ઘરેથી ટુવ્હીલર લઇ નાણાવટી ચોકમાં રહેતાં મિત્ર હર્ષ ટાંકના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે ટ્રક નં. જીજે૩૮ટી-૦૫૧૮ના ચાલકે ઠોકરે ચડાવી દેતાં મારા દિકરાને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયું હતું. તેમ વધુમાં વિપુલભાઇએ કહેતાં ગાંધીગ્રામના પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવહી કરી હતી. યુવાન અને આશાસ્પદ દિકરાના મૃત્યુથી સાયાણી-લોહાણા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.










