તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
મંગળા રોડ પર ગેંગવોર અંધાધૂંધ ફાયરીંગ : જુઓ વિડીયો
ગત મકરસંક્રાંતિએ ગોકુલધામ પાસે અને જન્માષ્ટમીએ જંગલેશ્વરમાં ડખ્ખો થયા બાદ હવે વધુ એક બબાલ પેંડા ગેંગના પરેશ ગઢવી અને જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગાની ગેંગ વચ્ચે ચાલતી માથાકુટ વધુ એક વખત વકરી : જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગોના નાના અને રમાના પતિ જાવેદભાઇ જુણેજાને પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હોઇ રાતે સમીર, સંજલો, જાવેદભાઇની દિકરીઓ, જમાઇ સહિતના હોસ્પિટલે હોવાની જાણ થતાં જેલહવાલે રહેલા પરેશ ગઢવીના સાગ્રીતો મેટીયો ઝાલા, ભઇલો ગઢવી સહિત ૪ કારમાં આવ્યા અને ભડાકા કર્યાઃ પોલીસે જાવેદભાઇના જમાઇ અબ્દુલ ધાડાની ફરિયાદ પરથી મેટીયો ઝાલા, ભઇલો ગઢવી, બે અજાણ્યા સામે ગુનો નોંધ્યોઃ સામેના પક્ષે પણ ફરિયાદ નોંધાવાશે : જાવેદભાઇની દિકરી રૂબીનાબેને કહ્યું-ચાર જણાએ અમારા પર ૮-૯ રાઉન્ડ ફાયરીંગ કર્યા

જ્યાં ફાયરીંગની ઘટના બની તે મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીકનું સ્થળ, સામ સામે થયેલા ફાયરીંગમાં રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં પણ ગોળીઓ ખૂંપી ગઇ હતી તે દ્રશ્ય અને ઘટના સ્થળે એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તથા ક્રાઇમ બ્રાંચના અધિકારી અને વિગતો મેળવવા માટે પોલીસ જાવેદભાઇના જમાઇ અબ્દુલ ધાડાને લઇ જતી જોઇ શકાય છે. ઇન્સ્ેટમાં ફુટેલા કાર્ટીસ જોવા મળે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૯ : શહેરમાં કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકી રહેલી બે નામચીન ગેંગે હવે ફિલ્મી ઢબે સરાજાહેર ભડાકા કર્યા છે. જંગલેશ્વરના નામચીન સમીર ઉર્ફ મુરગોની ગેંગ અને પેંડા ગેંગના ગણાતા પરેશ ગઢવીની ગેંગના સાગ્રીતો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી માથાકુટ વધુ એક વખત વકરી છે. શહેરના મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક રાતે બંને ગેંગ વચ્ચે અંધાધૂંધ ફાયરીંગ થતાં સનસનાટી મચી ગઇ છે. એ-ડિવીઝન પોલીસે આ મામલે હાલ એક પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. જંગલેશ્વરની એક સમયની મહિલા બૂટલેગર રમાના પતિ જાવેદભાઇને પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ આથી તેણીનો દોહિત્ર સમીર ઉર્ફ મુરગો, પુત્ર સંજલો, જાવેદભાઇની દિકરીઓ, જમાઇ સહિતના રાતે હોસ્પિટલ ખાતે હતાં ત્યારે પરીયા ગેંગના સાગ્રીતોએ ધડાધડ ફાયરીંગ કર્યા હતાં. સામે પણ ફાયરીંગ થયાની શક્યતાએ પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતી અને એક સમયની મહિલા બુટલેગરની છાપ ધરાવતી રમાના પતિ જાવેદભાઇ જુસબભાઇ જુણેજા (ઉ.વ.૬૦) બિમાર હોઇ ગઇકાલે તેમને મનહર પ્લોટ પાસેના મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ફેફસાની તકલીફ હોઇ તેને અહિ દાખલ કરાયા પછી સાંજે સાડા આઠે રજા અપાઇ હતી. પણ રાતે સાડા બારેક વાગ્યે ફરી તબીયત બગડતાં ફરીથી અહિ લાવવામાં આવ્યા હતાં અને દાખલ કરાયા હતાં.
જાવેદભાઇના દિકરી રૂબીનાબેન, રોશનબેન, યાસ્મીનબેન, જમાઇ અબ્દુલ ભીખુભાઇ ધાડા તેમજ જાવેદભાઇની દિકરીનો દિકરો સમીર ઉર્ફ મુરગો, જાવેદભાઇનો દિકરો સંજલો સહિતના પણ હોસ્પિટલે આવ્યા હતાં. રૂબીનાબેને કહ્યું હતું કે મારા પિતાને દાખલ કરી દેવાયા બાદ રાતે સાડા બાર પછી અમે બધા હોસ્પિટલ નીચે મેડીકલ સ્ટોર નજીક બાકડા પર બેઠા હતાં. આ વખતે સમીર ઉર્ફ મુરગો કે સંજય હાજર નહોતાં. પણ અમારા બીજા બે છોકરા હાજર હતાં. આ વખતે ચાર જણા આવ્યા હતાં. જેમાં એક મેટીયો ઝાલા, બીજો ભયલો ગઢવી અને બે અજાણ્યા હતાં. આ ચારેયએ અમે બેઠા હતાં તે તરફ ફાયરીંગ ચાલુ કરી દેતાં અમે દોડીને હોસ્પિટલની અંદર જતાં રહ્યા હતાં. જેથી અમને ઇજા થઇ નહોતી. બાદમાં આ બધા ભાગી ગયા હતાં.
બીજી તરફ એવી પણ વિગતો સામે આવી રહી છે કે પેંડાની ગેંગનો પરેશ ગઢવી હાલ જેલ હવાલે છે. પરેશ ગઢવીની ગેંગના મેટીયો ઝાલા, ભયલો ગઢવી સહિતનાને એવી જાણ થઇ હતી કે જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગોના નાના જાવેદભાઇ જુણેજાને પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને રાતે સમીર ઉર્ફ મુરગો, સંજલો સહિતના પણ તેના સાગ્રીતો સાથે હોસ્પિટલ પાસે હાજર છે. આથી મેટીયો ઝાલા, ભયલો ગઢવી અને બીજા બે જણા અહિ પહોંચ્યા હતાં અને તેણે હોસ્પિટલ નજીક બાકડા બહાર જાવેદભાઇની દિકરીઓ, જમાઇ સહિતના બેઠા હોઇ તે તરફ ફાયરીંગ કર્યા હતાં. બાદમાં વળતા ફાયરીંગ પણ થયા હતાં. જેમાં સમીર મુરગો સહિતના હોવાની શક્યતા હોઇ પોલીસ ફુટેજ ચકાસી રહી છે.
હાલ પોલીસે જાવેદભાઇના જમાઇ અબ્દુલ ભીખુભાઇ ધાડાની ફરિયાદ પરથી મેટીયો ઝાલા, ભઇલો ગઢવી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. સામેના પક્ષની પણ ફરિયાદ દાખલ થવાની શક્યતા છે. ફાયરીંગની ઘટનાની સવારે જાણ થતાં ડીસીપી ઝોન-૧ ઇન્ચાર્જ હેતલ પટેલ, એસીપી બી. જે. ચોૈધરી, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ, એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, ભરતસિંહ ગોહિલ અને ડી. સ્ટાફની ટીમ દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ગેંગવોર થવા પાછળનું કારણ જુની માથાકુટ હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી-૨૦૨૫માં મકરસંક્રાંતિના તહેવાર વખતે પેંડાના સાગરીત એવા પરેશ ગઢવી ઉપર જંગલેશ્વરના નામચીમ સમીર ઉર્ફ મુરગાએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતી જંગલેશ્વરના શખ્સની ગર્લફ્રેન્ડની છેડતીનો ડખ્ખો કારણભુત હતો.
આ પછી ગત જન્માષ્ટમીના તહેવારમાં સાતમની રાતે કોઠારીયા રોડ નિલમ પાર્કમાં ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતાં અને ઘર નજીક જ કેજીએન સ્ટોર નામે કરિયાણીની દૂકાન ધરાવતાં સમીર ઉર્ફ મુરગાના મિત્ર શાહનવાઝ મુસ્તાકભાઇ વેત્રણ (ઉ.વ.૨૦) નામના યુવાન પર બે શખ્સોએ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી હતી. આ ફાયરીંગના બનાવની તપાસ ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા, અશ્વીનભાઇ સહિતે કહી હત્યાની કોશિષ, ફાયરીંગનો ગુનો નોંધ્યો હતો. એ ગુનામાં પેંડાના સાગરીત પરેશ ઉર્ફ પરીયો ગઢવી (રહે. આવાસ કવાર્ટર પુનીતનગર પાસે) અને જીજ્ઞેશ ઉર્ફ ભયલુ દિનેશભાઇ રાબા (રહે. આશાપુરાનગર)ને પકડી લીધા હતાં. હાલ પરેશ ગઢવી જેલમાં છે.
દરમિયાન પરેશના સાગ્રીતો મેટીયો ઝાલા, ભયલુ ગઢવી સહિતે હવે ફરી વખત સમીર ઉર્ફ મુરગા, સંજલો સહિતના મંગળવારે રાતે મંગળા રોડની હોસ્પિટલે હોવાની જાણ થતાં ત્યાં પહોંચી ભડાકા કર્યા હતાં. આમ આ ગેંગવોર વધુ એક વખત વકરી છે. એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, એ-ડિવીઝન પોલીસની ટીમો સીસીટીવી ફુટેજ મેળવવા અને આરોપીઓને શોધી કાઢવા કામે લાગ્યા છે. આ બનાવને પગલે શહેરમાં ચકચાર મચી ગઇ છે. (૧૪.૧૨)
(3:02 PM IST)










