<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ડબલ મર્ડરના ગુનામાં જેલમાં રહેલા કોન્‍સ્‍ટેબલ કમલેશ મહેતાનું મૃત્‍યુ

બજરંગવાડીમાં ૨૦૧૪માં પડોશી દંપતિની હત્‍યા કરી હતી પાકા કામના કેદીને બ્‍લડ કેન્‍સર થયું હતું: જેલમાંથી સારવાર માટે ખસેડાયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૯: શહેરના જામનગર રોડ પર બજરંગવાડી પાસે પુનિતનગરમાં આજથી ૧૨ વર્ષ પહેલા તે વખતે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્‍સ્‍ટેબલ કમલેશભાઇ  રમેશભાઇ મહેતાએ પાડોશી દંપતિ ભુપતભાઇ તેરૈયા (ઉ.વ.૫૫) અને ગુણવંતિબેન ભુપતભાઇ તેરૈયા (ઉ.વ.૫૪)ને ક્રુરતાથી પતાવી દીધા હતાં. આ ગુનામાં કમલેશભાઇને સજા પડી હોઇ તે જેલમાં હતાં. દરમિયાન જેલમાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસડાયેલ. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

બાર વર્ષ પહેલા કમલેશભાઇ મહેતા બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં. તે વખતે પાડોશી સાથે માથાકુટ થતાં તેણે છરીથી તૂટી પડી પડી પાડોશી દંપતિની હત્‍યા કરી નાંખી હતી. આ ગુનામાં તેને સજા પડી હતી. જેલમાં તેને બ્‍લડ કેન્‍સરની બિમારી લાગુ પડી હોઇ સારવાર થઇ રહી હતી. ગઇકાલે તબિયત વધુ ખરાબ થઇ જતાં જેલના સ્‍ટાફ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. કમલેશભાઇ બે ભાઇ અને અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી છે. (૧૪.૫)

(2:08 PM IST)