News of Wednesday, 29th October 2025
ઉમાકાંત ઉદ્યોગનગરમાં નમકીનના કારખાનામાં આગ
આગમાં ફરસાણ, મીઠાઇ તથા અન્ય ચીજવસ્તુઓ બળી ગઇ

રાજકોટ, તા. ર૯: લક્ષ્મીનગર મેઇન રોડ પર ઉમાકાંત ઉદ્યોગનગરમાં આવેલા નમકીનના કારખાનામાં અચાનક આગ લગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ ઉમાકાંત ઉદ્યોગનગર શેરી નં. ૩ માં આવેલા વિરલ નમકીન (શ્રી રામ ગૃહ ઉદ્યોગ) નામના કારખાનામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કોઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં ફરસાણ, મીઠાઇ તથા અન્ય રો મટીરીયલ બળી ગયુ હતું. બનાવની જાણ થતા કારખાનાના માલીક વિમલભાઇ સંજયભાઇ ટાંક દોડી આવ્યા હતા. કારખાનામાં આગ કેવી રીતે લાગી અને તેમાં થયેલી નુકસાની અંગે તપાસ થઇ રહી છે.
(4:00 PM IST)










