<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

પાણી તથા ભૂગર્ભ લાઇન નાખવા ૩૧ ડિસેમ્‍બર સુધી મનપા મંજુરી જ નહીં આપે

મનપા દ્વારા એક સુવીધા આપવા બીજી પ્રાથમીક જરૂરીયાતો ઉપર ડુમો : ખાનગી કંપનીઓ અને અન્‍ય એજન્‍સીઓ શહેરમાં વધુ ખોદકામ ન કરે, રસ્‍તા ન તુટે તે માટે ચૂંટણી વર્ષમાં ઉપરથી બ્રેક મારવા આદેશ

રાજકોટ તા.૨૯ : રાજકોટ શહેરમાં  રોડ રસ્‍તાઓ ભેંકાર બનતા અને મસમોટા ગાબડા ઓથી નાગરિકોમાં દેકારો બોલી ગયો હતો. ખાડા મુદ્દે વિપક્ષોએ પણ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના લીધે સરકારે સમય પહેલા એકશનપ્‍લાનની ગ્રાન્‍ટ જાહેર કરી તૂટેલા રોડ રસ્‍તા અને ખાડાઓનુ પેચવર્ક કામ અને મેટલીંગ તથા પેવર રોડ સહિતના કામો ઝડપી શરૂ કરી વહેલા સર પૂર્ણ કરવાના આદેશ આપ્‍યા હતા.

જેના પગલે ૧લી ઓકટોબરથી મનપા દ્વારા પેચવર્ક અને ડામર કામ શરૂ કર્યુ છે. ત્‍યારે ફરી વખત વરસાદી વિધ્‍ન આવતા હાલ કામ બંધ હોવાથી પ્રજાનો રોષ ખાળવા માટે હવે પછી કોઇ પણ પ્રકારનું ખોદકામ ન થઇ જોઇએ તેવા ઉપરથી આદેશ થયાનુ જાણવા મળેલ છે અને સૂચના અન્‍વયે મનપા હવે પ્રાઇવેટ કંપનીઓ તેમજ ભૂગર્ભ અને પાણીની લાઇન સહિતના કામોને મંજૂરી નહીં આપે.

ચોમાસા દરમિયાન શહેરમાં ખાડાઓના સામ્રાજએ કાગારોડ મચાવી હતી. જેના લીધે સરકાર એકશનપ્‍લાન અંતર્ગત ગ્રાન્‍ટ ફાળવી ત્રણેય ઝોનમાં રોડ રસ્‍તાના કામો શરૂ કરાવ્‍યા છે. ૧લી ઓકટોબરથી ત્રણેય ઝોનમાં પેચવર્ક કામ અને નવા પેવર કામ શરૂ થયા છે. ત્‍યારે જ તહેવારો આવ્‍યા અને વરસાદ ફરી શરૂ થતા હાલ પાંચ દિવસથી પેચવર્કની કામગીરી બંધ કરવામાં આવી છે અને વરાપની રાહ જોવાઇ રહી છે.

ત્‍યારે જ ફરી વખત લોકરોષ ફાટી ન નીકળે તે માટે ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની લાઇન તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખોદકામ કરી નાખવામાં આવતા કેબલ વર્ક તેમજ અન્‍ય કામો માટે હવે ખોદકામ કરવામાં ન આવે તેવા આદેશ ઉપરથી કરવામાં આવ્‍યા હોવાનુ જાણવા મળેલ છે.

છેલ્લા બે વર્ષથી શહેરમાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી દરમિયાન આખુ રાજકોટ ખોદી નખાતા અને ઉપરથી વરસાદ આવતા શહેરીજનોમાં ભારે રોષ વ્‍યાપ્‍યો હતો. જે હવે માડમાડ શાંત થયો છે. ત્‍યા જ પેચવર્ક કામ ટાણે વરસાદ શરૂ થતા એની એજ પરીસ્‍થિતિનું નિમાર્ણ થતા અને હવે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા લોકોને શાંત કરવા માટે ૩૧ ડિસેમ્‍બર સુધી કોઇ પણ પ્રકારની કામ માટે ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

તેવી જ રીતે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ગેસની લાઇન તેમજ કેબલનું ભૂગર્ભ કામ કરવા માટે પણ કોર્પોરેશન ૩૧ ડિસેમ્‍બર સુધી મંજૂરી નહીં આપે તેમ જાણવા મળેલ છે.

(3:30 PM IST)